જુનાગઢ મહાનગરપાલિકા એક તરફ અનેક વાયદાઓ સાથે વિકાસના દાવા કરે છે તો બીજી તરફ વોર્ડ નંબર 11ના શીતલ નગરના રહેવાસીઓ આજે પણ જીવનની મૂળભૂત જરૂરિયાત એવા પીવાના પાણી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સ્થાનિકોએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે કે છેલ્લા ઘણા વર્ષોથી મહાનગરપાલિકા બની ગઈ છતાં ન તો પાણીની લાઇન નાખવામાં આવી છે, ન તો ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો છે.
દુર્ગંધ મારતું પાણી લોકો વપરાશમાં લઈ રહ્યા છે
ચોમાસાના મોસમમાં દર વર્ષે ઘરમાં પાણી ઘૂસે છે અને ગટરના પાણી બોરમાં ભળી જતાં જીવલેણ પરિસ્થિતિ ઉભી થાય છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિક બોર્ડ દ્વારા જે પાણી આવે છે, તેમાં પણ ગટરનું પાણી ભળી જતા દુર્ગંધ મારતું પાણી લોકો વપરાશમાં લઈ રહ્યા છે. શીતલ નગર વિસ્તારમાં સ્થળ મુલાકાત લીધી હતી. રહીશો તરફથી રજૂઆત કરવામાં આવી કે તેમના ઘરો સુધી પીવાના પાણીની પાઈપલાઈન પહોંચી નથી. ત્યારે તાત્કાલિક પાણીની લાઈન નાખવામાં આવે તેવી સૂચના અપાઈ છે.
સ્થાનિકો દ્વારા પાણીના પ્રશ્નને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી
આ વિસ્તાર ઢાળ વાળો હોવાથી અન્ય વિસ્તારનું વરસાદી પાણી અહીં ભરાઈ જાય છે. હાલની મોટી ક્ષમતા વાળી મોટર ઊભી રાખવાની વિચારણા છે. જે ડ્રેનેજ ચેમ્બર્સ છે, તેની ડિઝાઈન પણ બદલાઈ શકે છે. તેમજ, અહીં આવેલી નહેરમાં ગટરના પાણી ભળવાના મુદ્દે પણ કાર્યવાહી થશે. જે રહેવાસીઓએ ગટરના જોડાણ લીધા નથી, તેમને જોડાણ લેવા જણાવાયું છે. આમ સ્થાનિકો દ્વારા પાણીના પ્રશ્નને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી અને આ રજૂઆતની કેવી અસર આગામી દિવસોમાં થશે અને કામ પૂર્ણ થશે કે કેમ તે જોવાનું રહ્યું.