જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્ની પ્રેમી સાથે ભાગી જતાં પતિને લાગી આવ્યું હતું અને ત્યાર બાદ એક વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો. આ યુવકના 24 દિવસ પહેલા જ લગ્ન થયા હતાં. તેની પત્ની બીમારીનું કારણ આગળ ધરીને પીયર ગઈ હતી અને ત્યાંથી બોલાવવા છતાં નહોતી આવી. પતિએ આપઘાત પહેલા બનાવેલા વીડિયોમા પત્ની અને તેના મામાને કડક સજા કરવા માગ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે.


આપઘાત કરતાં પહેલા એક વીડિયો બનાવ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢમાં 25 દિવસ પહેલા જ લગ્ન થયા બાદ યુવકે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.તેની પત્ની બીમારીનું કારણ આગળ ધરીને પીયર ચાલી ગઈ હતી. ત્યાંથી તેને વારંવાર બોલાવવા છતાં પાછી આવતી નહોતી. પત્ની તેના પતિને ઘર જમાઈ બનીને રહેવા દબાણ કરતી હતી. યુવકે આપઘાત કરતાં પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે, મારી પત્ની અને તેના મામાએ મારી જીંદગી ખરાબ કરી છે. બંનેને કડક સજા થાય તેવી માગ છે.

યુવકે લખેલી સ્યુસાઈડ નોટ પણ પોલીસને મળી

આ ઉપરાંત આપઘાત પહેલા યુવકે લખેલી સ્યુસાઈડ નોટ પણ પોલીસને મળી છે. જેમાં તેણે તેના પરિવારને કહ્યું છે કે, આ પત્ર પોલીસને આપજો જેથી આરોપીઓને કડક સજા થાય. યુવકે વીડિયોમાં તેના વાલીને કહ્યું હતું કે, હવે નાનો ભાઈ તમારૂ ધ્યાન રાખશે. વીડિયોમાં રડતા રડતા યુવકે કહ્યું હતું કે, મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો. પોલીસે યુવકે લખેલી સ્યુસાઈડ નોટ અને આપઘાત પહેલા બનાવેલા વીડિયોને આધારે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: