છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢના રેલ્વે સ્ટેશનને લઈને જુનાગઢ વાસીઓ માટે અન્યાય થઈ રહ્યો હતો. જૂનાગઢના રેલ્વે સ્ટેશનમાં ઘણી બધી અસગવડતા હતી. મુસાફરોને ચાલીને એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ પર જવું પડતું હતું, જેને માટે કોઈ અલગ વ્યવસ્થા કે સગવડતા ન હતી. આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોના પણ સ્ટોપ આપવામાં આવતા ન હતા, ત્યારે આ બધી બાબતોને લઈને અવારનવાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આ અંગે કોઈ નિરાકરણ આવતું ન હતું, જેને લઈને લોકોમાં રોષ જોવા મળતો હતો.
રેલ્વે સ્ટેશનન રીડેવલોપિંગ માટેની રજૂઆતો કરવામાં આવી હતી
ઝેડ આર UCCના પૂર્વ સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના સંજય પુરોહિત દ્વારા રેલવે મંત્રાલય સુધી જુનાગઢના રેલ્વે સ્ટેશનન રીડેવલોપિંગ માટેની રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતોને ધ્યાનમાં લઈને જૂનાગઢના રેલ્વે સ્ટેશનને અતિ આધુનિક બનાવવામાં આવશે અને લોકલ થીમના આધારે અહીં રીનોવેશન કામગીરી હાથ ધરવામાં આવશે. જૂનાગઢના બધા જ પ્લેટફોર્મની લંબાઈ 23 એલ.એચ.બી કોચ ટ્રેન ઉભી રહી શકે એટલી કરવામાં આવશે.
મુસાફરોને જે મુશ્કેલી પડી રહી છે તેમાંથી મુક્તિ મળશે
આ ઉપરાંત અહીં નવી એક્સીલેટર લિફ્ટ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી મુસાફરોને સામાન સાથે પગથિયા ચડવા નહીં પડે તેમ જ ટિકિટ બારીની જગ્યાએ નવી લાઈનો નાખવામાં આવશે અને પ્લેટફોર્મની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. તે માટેની ટેન્ડરિંગ પ્રક્રિયાઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આમ, હવે છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢને જે અન્યાય થતો હતો, તેને લઈને જૂનાગઢનું રેલ્વે સ્ટેશન આધુનિક બનશે અને મુસાફરોને જે મુશ્કેલી પડી રહી છે તેમાંથી મુક્તિ મળશે.