જુનાગઢના કેશોદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ કોઈ નવી વાત રહી નથી, પરંતુ હવે આખલાઓની સમસ્યાએ માનવીનું બલી લેવાનું શરૂ કર્યું છે. કેશોદ શહેરના શ્રદ્ધા સોસાયટીના નિવાસી પ્રવીણભાઈ મહેતા (ઉ. વ. 65) પર બે રખડતા આખલાઓએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રવીણભાઈને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત પ્રવીણભાઈનું મોત થતા પરિવારમાં શોકની લહેર ફેલાઈ છે.


વારંવાર આખલા યુદ્ધ થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી

કેશોદની શ્રદ્ધા સોસાયટીમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને તે સમયે પ્રવીણભાઈ કોઈ કામ કરીને પરત ફરીને આવી રહ્યા હતા, તે વખતે આખલા યુદ્ધમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. આ વિસ્તારમાં તેમજ કેશોદના નગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ વારંવાર આખલા યુદ્ધ થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. મહાનગરપાલિકાને રખડતા ઢોર પકડવા માટે રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેથી સ્થાનિકો તેનો ભોગ બની રહ્યા છે અને જીવ ખોવાનો વારો આવ્યો છે.

પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી

ત્યારે આ મામલે કડક કામગીરી કરવામાં આવે તેવી માગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે અને મૃતક પ્રવીણભાઈ મહેતાના પુત્રએ આ અકસ્માતની ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આમ, પોલીસ દ્વારા કેસ દાખલ થયો છે અને તપાસ ચાલુ છે, પરંતુ કેશોદના નાગરિકો હવે ફક્ત તપાસથી સંતોષ માનવા માટે તૈયાર નથી. તેઓ નક્કર પગલાં લેવાશે કે નહીં તેની રાહ જોઈ રહ્યા છે.


  • Follow us on: