જુનાગઢના કેશોદમાં વ્યાજખોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. કેશોદના પીપળી ગામના ખેડૂતે વ્યાજખોરથી કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરે ખેડૂતને ધમકી આપતા કહ્યું છે કે જો રૂપિયાની ભરપાઈ નહીં કરે તો તારા પુત્રને મારી નાખીશ. ખેડૂતે રૂપિયા 2.50 લાખની સામે 5 લાખ રૂપિયાની ચૂકવણી કરી દીધી છે, છતાં પણ વ્યાજખોર દ્વારા પૈસાની સતત ઉઘરાણી કરવામાં આવી રહી છે.


પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

વ્યાજખોરે ખેડૂતને કહ્યું કે જો તું 12.30 લાખ રૂપિયા નહીં આપે તો તારા પુત્રને મારી નાખીશ. જેથી ખેડૂત ગભરાઈ જતાં આખરે હવે તેને પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખેડૂતે કહ્યું કે અઢી લાખ રૂપિયા લીધા અને સામે પાંચ લાખ રૂપિયા પરત કર્યા છતાં પણ 12.30 લાખની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જો કે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે આ કેસ મામલે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં પણ વ્યાજખોરોનો આતંક સામે આવ્યો

થોડા સમય પહેલા પોલીસ દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. જોકે છેલ્લા થોડા સમયથી ફરીથી વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં સામે આવ્યો હતો. જમાલપુર વિસ્તારમાં સિંધીવાર સ્કૂલ પાસે રહેતા અને ડીલીવરી બોય તરીકે કામ કરતા શોબાન મલેકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં શોબાન મલેકે છ મહિના પહેલા જમાલપુર વિસ્તારમાં વ્યાજનો ધંધો કરતા સલમાન ઉર્ફે પંદર સોનો સંપર્ક કર્યો હતો અને તેની પાસેથી ₹25,000 વ્યાજ લીધા હતા. સલમાને દરરોજના 600 રૂપિયા વ્યાજ ચૂકવવાની શરતે શોબાનને રૂપિયા આપ્યા હતા. ફરિયાદી શોબાન દરરોજના 600 રૂપિયા લેખે સલમાનના માણસના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરતો હતો અને અમુક સમયે રોકડા આપતો હતો.

સોબાને 45 દિવસ સુધી ₹200 લેખે 9000 રૂપિયા ચૂકવી આપ્યા

એવી રીતે ફરિયાદી શોબાને ₹25,000 ની સામે 70 હજારથી વધુની રકમ ચૂકવી દીધી હતી. એટલું જ નહિ શોબાને સલમાનને 30 હજાર રૂપિયા રોકડા પણ આપ્યા હતા એટલે કે 25000 રૂપિયાની સામે સલમાનને એક લાખ રૂપિયા આપ્યા હતા. જોકે ફરીથી અઢી મહિના પહેલા સોબાનને રૂપિયાની જરૂર પડતા તેને સલમાન પાસેથી 5000 રૂપિયા માંગ્યા હતા ત્યારે સલમાને તેના માણસ અયાન પઠાણ પાસેથી રૂપિયા લેવાનું કહ્યું હતું અને અયાને સોબાનને 5000 રૂપિયા દરરોજના 200 રૂપિયા આપવાની શરતે આપ્યા હતા. સોબાને 45 દિવસ સુધી ₹200 લેખે 9000 રૂપિયા ચૂકવી આપ્યા હતા. સોબાને 25 હજારની સામે એક લાખ અને 5,000 ની સામે 9000 રૂપિયા ભરપાઈ કરી દીધા હતા, જે બાદ પણ સલમાન અને અયાન ફરિયાદી પાસે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને અવારનવાર તેને ધમકીઓ પણ આપતા હતા.


  • Follow us on: