જૂનાગઢ જેલમાં બંધ આરોપી હિરલબા જાડેજા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હિરલબા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ નોંધાયા બાદ આરોપી હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. આ આરોપીઓએ ભેગા મળીને ત્રણ જેટલી બોગસ પેઢીના નામે જીએસટી નંબર ઉપર ખોટા સર્ટિફિકેટ મેળવી લીધા છે. અલગ અલગ ભોગ બનનારા પાસેથી છેતરપિંડી કરીને પૈસા 22 બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે.
ખોટા દસ્તાવેજોથી બોગસ પેઢીઓ બનાવ્યાનો ખુલાસો
તમને જણાવી દઈએ કે જૂનાગઢ SOGની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે. આ ત્રણેય આરોપીઓએ કરંટ બેન્ક એકાઉન્ટ ખોલાવીને કપટપૂર્વક બેન્કના કોરો ચેક મેળવી લીધા અને 22 બેન્ક એકાઉન્ટમાં વારંવાર 2 એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કર્યા છે. આ મામલે હિરલબા જાડેજા સહિત અન્ય 3 લોકો સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જુનાગઢ એસઓજી દ્વારા આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હિરલબા જાડેજા હાલમાં જુનાગઢ જેલમાં બંધ છે.
હિરલબા જાડેજાએ મહિલા સાથે કરી મારામારી?
પોરબંદરમાં હિરલબા જાડેજાની અપહરણ અને ખંડણીના કેસમાં તપાસ કરાઈ રહી છે, ત્યારે પોલીસ તપાસ દરમિયાન અનેક પુરાવાઓ પણ સામે આવ્યા છે. ત્યારે આરોપી હિરલબા મહિલા સાથે મારામારી કરતા નજરે પડ્યા છે અને હિરલબાના બંગ્લામાં મારામારીના CCTV ફૂટેજ વાયરલ થયા છે, હિરલબા અને તેમના માણસો દ્વારા મારામારી કરવામાં આવી હતી. જો કે 2022 અને 2025માં કરેલી મારામારીના CCTV વાયરલ થયા છે.