જુનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠક માટે આજે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને લઈને ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આજે એક સાથે તમામ પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક માટે ભાજપ દ્વારા વહેલી સવારે યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાંથી 13 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા હતા.


ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન કરીને ભાજપના ઉમેદવારોએ એક સાથે ફોર્મ ભર્યા

ત્યારે અન્ય પાંચ વોર્ડમાં જે ઉમેદવારો છેલ્લે શાસકમાં હતા, તેની જગ્યાએ તેમના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી છે અને બાકીના તમામ નવા ચહેરાઓ ભાજપે રજૂ કર્યા છે અને જેમાં ધારાસભ્ય સંજય કોરડીયા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા પૂર્વ સ્ટેનિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયા અને હરેશ પરસાણાની જગ્યાએ નવા ચહેરા મૂકવામાં આવ્યા છે. આજે જૂનાગઢના સરદાર ચોક ખાતે ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન કરીને ભાજપના ઉમેદવારોએ એક સાથે ફોર્મ ભર્યા હતા.

તમામ ઉમેદવારોએ પોતાના વોર્ડમાં આજથી જ પ્રચાર શરૂ કર્યો

બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા ખાનગી રીતે ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવા માટે બોલાવી લેવામાં આવ્યા હતા અને તમામ વોર્ડમાં ઉમેદવારોએ ફોર્મ ભરીને વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રભારી પુંજા વંશ દ્વારા તમામ ઉમેદવારોના મેન્ડેડ રજૂ કરવામાં આવ્યા હતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીનું પણ ફોર્મ ભરવામાં આવ્યું હતું. ઉપરાંત નારાજ થયેલા લોકોને તેઓ મનાવી લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. તેમજ ગત ચૂંટણીમાં માત્ર એક જ કોંગ્રેસની સીટ જીતનાર મહિલા મંજુલાબેન પરસારાને ફરીથી કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે અને તેમના પુત્ર લલિત પરસાણાને પણ ટિકિટ આપવામાં આવી છે. આમ, હવે તમામ ઉમેદવારો પોતપોતાના વોર્ડમાં આજથી જ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

  • Follow us on: