જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. કમિટીએ કમિશનર દ્વારા રજૂ કરાયેલા 1482.17 કરોડના બજેટમાં સુધારા-વધારા કરીને 1457.77 કરોડનું બજેટ રજુ કર્યું છે. આ બજેટ આગામી સમયમાં જૂનાગઢ મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.


એક્ઝિબિશન હોલ અને વોટર સપ્લાય પ્રોજેક્ટ જેવા નવા પ્રોજેક્ટ્સ પણ આવરી લેવાયા

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીના મહિલા ચેરમેન પલ્લવીબેન ઠાકર દ્વારા વર્ષ 2025-26નું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં સુધારા વધારા સાથે કમિશનરને પરત મોકલવામાં આવ્યું છે અને આગામી સમયમાં જનરલ બોર્ડમાં આ બજેટ રજૂ કરવામાં આવશે. કમિશનરે સૂચવેલા 40.68 કરોડના વધારાની સામે કમિટીએ 34.67 કરોડનો ટેક્સ રદ કર્યો છે. રોડ-રસ્તા, ડ્રેનેજ, બ્રિજ જેવા આંતરમાળખાકીય કામો મુખ્ય છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઈબ્રેરી, સિટી સિવિક સેન્ટર, એક્ઝિબિશન હોલ અને વોટર સપ્લાય પ્રોજેક્ટ જેવા નવા પ્રોજેક્ટ્સ પણ આવરી લેવાયા છે.

આધુનિક ગૌશાળા, પશુ હોસ્પિટલ અને ડોગ સ્ટેરિલાઈઝેશન સેન્ટર માટેની પણ જોગવાઈ

નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશન, વાઘેશ્વરી તળાવ, સ્વિમિંગ પૂલ, ભૂગર્ભ ગટર, રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર પાવર પ્લાન્ટ જેવા પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ કરાયો છે. આધુનિક ગૌશાળા, પશુ હોસ્પિટલ અને ડોગ સ્ટેરિલાઈઝેશન સેન્ટર માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં 309.76 કરોડ રેવન્યુ ઉપજ અને 1147.98 કરોડ કેપિટલ ઉપજનો અંદાજ છે. રેવન્યુ ખર્ચ 309.76 કરોડ અને કેપિટલ ખર્ચ 1145.57 કરોડ રાખવામાં આવ્યો છે. વર્ષાંતે 2.44 કરોડની પુરાંત સિલક રહેશે.


  • Follow us on: