ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ચોપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે. તેમની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ બંને બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. કડીમાં ડોક્ટર ગિરીશ કાપડિયા અને વિસાવદર બેઠક પર કિશોરભાઈ કાનગડને ટીકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. હવે કોંગ્રેસે પણ કડી બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ જાહેર કર્યું છે.


કોંગ્રેસે ફરીવાર રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા

કડી બેઠક પર રમેશ ચાવડાએ 2012માં ભાજપના હિતુ કનોડિયાને હરાવ્યા હતાં. કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં તેમને ફરી રીપીટ કર્યા હતાં પણ ભાજપના સ્વ.ધારાસભ્ય કરસન સોલંકી સામે તેમનો પરાજય થયો હતો. ત્યાર બાદ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રવીણ પરમારને ટીકિટ આપી હતી. જેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતાં. હવે કરસન સોલંકીના અવસાન બાદ આ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ફરીવાર રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ હવે ગઠબંધનમા નહીં પણ એકલા હાથે ચૂંટણી લડી રહી છે.

ભાજપમાં દાવોદારોનો રાફડો ફાટ્યો

ભાજપમાંથી કડી બેઠક પર 68 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. અભિનેતા હિતુ કનોડિયાની જેમ લોક ગાયિકા કાજલ મહેરિયાએ પણ ભાજપમાંથી દાવેદારી નોંધાવી ટીકિટ માંગી છે. દાવેદારોનો રાફડો ફાટ્યા બાદ ભાજપમાં ઉમેદવારની પસંદગી એક પડકાર બન્યો છે. પરંતુ સોમાવારે ભાજપ રમેશ ચાવડાને ટક્કર આપનાર ઉમેદવારને જાહેર કરીને ચોંકાવી શકે છે. આ બેઠક પર આમતો ફરીવાર હિતુ કનોડિયા પ્રબળ દાવેદાર મનાય છે પરંતુ રમેશ સોલંકી અને ઈશ્વર મકવાણાના નામ પણ ચર્ચામાં મોખરે છે. કડી વિધાનસભા બેઠક પર ભાજપમાંથી હિતુ કનોડિયા સૌથી મોટા દાવાદાર છે.આ ઉપરાંત રમેશ સોલંકી અને ઈશ્વર મકવાણા, મણિલાલ વાઘેલા,પ્રહલાદ પરમાર પણ કડી બેઠક પર ભાજપ તરફથી દાવેદારોની યાદીમાં સામેલ છે.


  • Follow us on: