- સુરતી બરેલી, કાચ વિનાની દોરી અને ચાઈનીઝ દોરીનો સૌથી વધુ ઉપયોગ
- ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી લે છે અનેક વ્યક્તિ અને પક્ષીઓના જીવ
- 1-5 જાન્યુઆરી સુધીમાં ચાઈનીઝ દોરીથી 3 લોકોના મોત
ઉત્તરાયણનો તહેવાર નજીક છે અને ફરી એક વાર ચાઈનીઝ દોરી ચર્ચામાં આવી છે. છેલ્લા 20 દિવસમાં ચાઈનીઝ દોરીના કારણે અકસ્માતની 8થી વધુ ઘટના બની ચૂકી છે, જેમાં 1 જાન્યુઆરીથી લઈને આજ સુધી 3 લોકો મોતને ભેટી ચૂક્યા છે. રસ્તે ચાલતા રાહદારી હોય કે પછી ટૂ-વ્હીલર પર સવાર કોઈ વ્યક્તિ, ચાઈનીઝ દોરી માણસોથી લઈને પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. પરંતુ પતંગ કાપવાની મજા માટે બજારમાં ધૂમ વેચાતી ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે, છતાં પણ મોટાં શહેરોથી લઈને નાનાં ગામડાં સુધી સરળતાથી દર વર્ષે ઉત્તરાયણ વખતે પહોંચી જાય છે. ચાઈનીઝ દોરી સીધી જ ગળાના ભાગે ઈજા પહોંચાડતી હોવાના કારણે ઘણા કિસ્સામાં વ્યક્તિને ટાંકા લેવા પડ્યાં છે તો ક્યાંક મોતના કેસ પણ બન્યાં છે. પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા માંજા અને કાચ કોટેડ દોરા જીવલેણ હોય છે. એટલે કે હવે મકરસંક્રાંતિના પર્વ પર પતંગ ચગાવવા માટે માંજા દોરીનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ પતંગરસિકોમાં સુરતી બરેલી પણ ફેમસ છે. તો જાણો આ તમામ દોરી કઈ રીતે બને છે એટલે કે તેની મેકિંગ પ્રોસેસ શું હોય છે.
જાણો કઇ રીતે સુરતની બરેલી અને કાચ વિનાની દોરી. તેમાં શું શું વાપરવામાં આવે છે.
સુરતી બરેલી
આ દોરી માટે લુદ્દી તૈયાર કરવા પાતળો આરસનો પાવડર, સુગંધ માટે ગૂગળ, અલોવેરાનો જ્યૂસ અને જે રૂટિનમાં કલરકામમાં વપરાય છે તે કલર વાપરવામાં આવે છે. તેને વ્હાઇટ દોરીના રોલ પર બે વાર ઘસવામાં આવે છે.
કાચ વિનાની સાદી દોરી
આ માટે કલરકામમાં વપરાતા કલર, ભાત, ચરબીવાળો સાબુ અને ચિકાશ માટે સરેશ ઉપયોગમાં લેવાય છે. તેની લુદ્દી તૈયાર કરીને તેને વ્હાઇટ દોરીના રોલ પર બે વાર ઘસવામાં આવે છે.
ચાઈનીઝ દોરી કેવી રીતે બને છે ?
રાસાયણિક પ્રક્રિયાથી સૌથી પહેલાં મોનોફિલામેન્ટ રેસા બને છે. આ રેસાને પ્લાસ્ટિકમાં ઓગાળવામાં આવે છે અને તેનું મિશ્રણ તૈયાર કરાય છે. દોરી પર કાચનો પાવડર ચઢાવાય છે. આ સિવાય ચોખાનો પાવડર, લોખંડના વેરનું કોટિંગ પણ ચઢે છે. છેલ્લે દોરા પર રંગ ચઢાવીને સમયાંતરે તેનું વેચાણ કરાય છે.
કાચવાળી દોરી બંધ કરવાથી કોને નુકશાન?
કાચ વાળી દોરી બંધ કરવાથી અનેક મુસ્લિમ લોકો કે જે લખનૌ, કાનપુર, બરેલીથી ગુજરાતમાં ફક્ત દોરી ઘસવા આવે છે. આ તેમની 12 મહિનાની રોજી રોટી છે. આ નિયમથી લાખો લોકોની રોજીરોટી છીનવાઇ શકે છે. પતંગોત્સવ એ હિંદુ મુસ્લિમ એકતાનો તહેવાર છે. મુસ્લિમો પતંગ અને દોરી તૈયાર કરે છે અને સાથે જ હિંદુઓ પ્રેમથી તેને ખરીદીને તેની મજા માણે છે. પતંગ રસિયાઓ બૅન હોવા છતાં પણ ચાઈનીઝ દોરીની ડિમાન્ડ કરતા રહે છે. તેના વિના તેઓે ઉત્તરાયણની કલ્પના પણ કરી શકતા નથી.
કાચ વગરનો માંજો પેચ કાપી શકે કે નહીં
મળતી માહિતી અનુસાર માનવામાં આવે છે કે કાચને કારણે દોરો જલ્દી કપાઇ જાય છે. કાચનો ઉપયોગ ન કરાય તો દોરો કપાય નહી અથવા તો કપાવવા માટે કદાચ વધારે ખેંચમતાણી કરવી પડે. જે પતંગ રસિકોને માફક આવતું હોતું નથી.