- ગોળની ગરમ તાસીર શિયાળામાં લાભદાયી
- નારિયેળના લાડુથી શરીરને મળશે ખાસ વિટામિન
- ખજૂરમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝ સૌથી વધુ હોવાથી મળશે લાભ
ઉત્તરાયણનો તહેવાર નજીકમાં છે અને સાથે હાડ થીજાવતી ઠંડીની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ સમયે જો તમે કેટલીક ખાસ વસ્તુઓની તૈયારી કરી રહ્યા છો તો તમે ઘરે જ કેટલાક લાડુ બનાવી શકો છો. તમે કાળા તલના લાડુ, નારિયેળ- રવાના લાડુ, બેસનના લાડુ, ખજૂરના લાડુની તૈયારી કરી શકો છે. આપણા તહેવારો મીઠાઈ વગર અધૂરા ગણાય છે. આમ પણ ઉત્તરાયણ તલસાંકળી, શીંગના લાડુ, મમરાના લાડુ વગર અધૂરી ગણાય છે. આપણા ત્યાં તહેવાર પર આ બધા પ્રકારની વાનગી ખાવાની પરંપરા છે. તેની પાછળના વૈજ્ઞાનિક કારણોની સાથે-સાથે તહેવારનો ઉન્માદ તો ખરો જ. બસ તો તમારો તહેવાર પણ અધૂરો ના રહે એ માટે ચોક્કસથી નોંધી લો સ્પેશિયલ લાડુની રેસિપી.
કાળા તલના લાડુ
સામગ્રી
-1 કપ કાળા તલ
-1 કપ ગોળ
-1 મૂઠ્ઠી શિંગદાણા
-1/2 કપ પાણી
રીત
સૌપ્રથમ એક ફ્રાઈંગ પેનને ગરમ કરો. ત્યાર બાદ તેમાં કાળા તલ ઉમેરીને ધીમા તાપે ફ્રાય કરો. બરાબર હલાવતા રહો અને ત્રણથી ચાર મિનિટ માટે રોસ્ટ કરો. તલનો રંગ સહેજ ગોલ્ડન રંગનો થાય ત્યાં સુધી ફ્રાય કરો. થોડાક ગોલ્ડન રંગના થાય એટલે ગેસ બંધ કરીને તેને એક પ્લેટમાં કાઢી ઠંડા કરવા માટે મૂકો. બીજી બાજુ શિંગદાણાને ક્રશ કરીને એક બાઉલમાં લઈ લો. આ દરમિયાન એક ઉંડા પેનમાં પાણીને ગરમ કરવા માટે મૂકો. જ્યારે તે ઉકળવા લાગે એટલે તેમાં ગોળ ઉમેરીને ઓગાળો. ગોળ બરાબર ઓગળી જાય એ જોવો. સીરપ ઘટ્ટ થઈ જાય એટલે તેમાં શેકેલા તલ અને શિંગદાણાનો ભૂકો ઉમેરીને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દો. લાડવાનું મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ તેમાંથી લાડુ વાળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી લાડુ.
નારિયેળ અને માવાના લાડુ
સામગ્રી
-2 નંગ પાણીવાળા ભીના નારિયેળ
-50 ગ્રામ બદામ પિસ્તા કતરણ
-600 ગ્રામ દૂધ
-150 ગ્રામ માવો
-400 ગ્રામ ખાંડ
-1 મોટી ચમચી ઘી
-એલચી પાવડર
-કેસરના તાંતણા
રીત
નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનું કોપરૂં કાઢીને તેના પર બ્રાઉન પડને હલ્કા હાથથી ચાકુ કે છીણીની મદદથી જુદી કરી લો. ત્યાર બાદ સફેદ નારિયળના ટુકડા કરી મિક્સરમાં ઝીણુ દળી લો અને દૂધમાં મિક્સ કરી ગેસ પર બફાવા દો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા માંડે ત્યારે ખાંડ મિક્સ કરો અને ફરીથી ઘટ્ટ કરી લો. જો મિશ્રણ ચોંટી રહ્યુ હોય તો થોડુ ઘી નાખો. હવે એક કડાઈમાં માવો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. ઠંડુ થતા માવો, એલચી અને કેસર નારિયળના મિશ્રણમાં નાખી દો. ઉપરથી બદામ પિસ્તા નાખો અને ગોળ-ગોળ લાડુ બનાવી લો.
બેસનના લાડુ
સામગ્રી
-500 ગ્રામ કકરુ બેસન
-250 ગ્રામ ઘી
-300 ગ્રામ દળેલી ખાંડ
-2 ચમચી એલચી પાવડર
-થોડાક કાજુના ટુકડા
રીત
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. બેસનને ચાળીને ઘીની કઢાઈમાં નાખો અને સતત હલાવતા રહો. જ્યાં સુધી બેસન સોનેરી રંગનુ ન દેખાય ત્યાં સુધી હલાવતા રહો. પછી ગેસ પરથી ઉતારી ઠંડુ કરો. હવે તેમાં દળેલી ખાંડ અને એલચી પાવડર નાંખીને મિક્સ કરો. આ મિશ્રણના એકસરખા લાડુ બનાવી લો. જો લાડુ ન વળતા હોય તો જ થોડુક દૂધ નાંખો. દરેક લાડુ પર બદામનો ટુકડો લગાવી દો. આ લાડુ 10 દિવસ સુધી સારા રહે છે.
ખજૂર લાડુ
સામગ્રી
-1/2 કિગ્રા સીડલેસ ખજૂર
-1 ટેબલ સ્પૂન ઘી
-4 ટેબલ સ્પૂન બદામની કતરણ
-4 ટેબલ સ્પૂન કાજુની કતરણ
-4 ટેબલ સ્પૂન રવો
-4 ટેબલ સ્પૂન પિસ્તાંની કતરણ
-1 ચપટી ગ્રીન એલચી પાઉડર
-3 ટેબલ સ્પૂન બૂરું ખાંડ
-1/2 કપ નારિયેળનું છીણ
રીત
સૌપ્રથમ એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં બદામ, કાજુ, પિસ્તાં અને રવાને 10 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. ત્યાર બાદ તેમાં ખજૂર નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં ગ્રીન એલચી પાઉડર, બૂરું ખાંડ અને નારિયેળનું છીણ નાખી સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડું થવા દો. મિશ્રણ સહેજ ઠંડું થાય એટલે તેના નાના-નાના લાડુ બનાવી સર્વ કરો.