• વીજળીની સાથે આવ્યું મોત

  • રાજ્યમાં 2 લોકોના મોત થયા
  • ખેતીકામ કરતા 12 લોકો ગંભીર રીતે દાઝ્યા

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. ચાલુ શિયાળાએ માવઠું ખાબકતા લોકો માટે મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ તો રવિ સીઝનના પાકને લઈને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતો ચિંતાતુર છે. તો અમુક જગ્યાએ રાજ્યમાં ચાલુ વરસાદે ખેતીનું કામ કરતા ખેતમજૂરો પર વીજળી ખાબકી છે. જેમાં અલગ અલગ ઘટનાઓમાં કુલ 2ના મોત અને 12 ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં શ્રમિક મહિલાઓ દાઝી

આજે ચાલુ વરસાદે ખેતીનું કામ કરતા લોકો પર રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી ખાબકી હતી. જેમાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પહેલી ઘટના સુરતના બારડોલીથી સામે આવી છે. અહીં એક ખેતરમાં કામ કરી રહેલી શ્રમિક મહિલાઓ પર અચાનક વીજળી ત્રાટકી હતી. જેના લીધે 8 મહિલાઓ રીતે દાઝી ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેમાંથી 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. બાકીની અન્ય 4 મહિલાઓ હજુ પણ સારવાર હેઠળ છે, જેમાં 1ની હાલત ગંભીર છે. જે સુરત સિવિલમાં દાખલ છે.

ઈડરમાં મહિલાનું વીજળી પડતા મોત

બીજી ઘટના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગઢા (કાબસો) ગામેથી સામે આવી છે. અહીં એક પરમાર કમળાબેન મગનભાઈ નામની 50 વર્ષીય મહિલા ખેતીકામ કરી રહી હતી, ત્યારે અચાનક જ તેના પર વીજળી ત્રાટકી હતી. આ ઘટનાને આજુબાજુના લોકોએ નિહાળી હતી, જેથી તેઓ પણ ભયભીત થઈ ગયા હતા. આ કિસ્સામાં મહિલાનું મોત નિપજ્યું હતું.

પાટણમાં 4 લોકો પર પડી વીજળી

ત્રીજી ઘટનામાં પાટણ જિલ્લાના સમીના હરીપુરા લાલપુરા ગામ ખાતે વીજળી પડવાની ઘટના સામે આવી હતી. અહીં ખેતરમાં કામ કરતા 4 લોકો પર આસમાનમાંથી આફત આવી પહોંચી હતી. વીજળી પડતા આ 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેના પછી તેમને 108ની મદદથી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોવાનું કહેવાઈ રહ્યું છે.

સુરેન્દ્રનગરમાં વીજળી પડતા યુવકનું મોત

આવી એક અન્ય ઘટના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પંથકમાંથી સામે આવી હતી. અહીં માવઠામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ચુડા શહેરના ભાણેજડા ગામે પશુઓ ચરાવવા ગયેલા એક યુવાન પર વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં ચુડા તાલુકાના ભાણેજડા ગામે ખેતરમાં પશુ ચરાવતા યુવાન પર વિજળી ત્રાટકી હોવાની માહિતી સામે આવી હતી. કુલદીપભાઇ ભીખુભાઇ ભાંભળા નામના 20 વર્ષીય યુવાન પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના દરમિયાન ચારો ચરી રહેલી 3 જેટલી ભેંસો અને એક ગાયનું મોત નીપજ્યું હતું. આ ઘટના થી નાના એવા ભાણેજડા ગામે અરેરાટી વ્યાપી જવા પામી છે

આ સાથે લીંબડી તાલુકાના ભથાણ ગામે પણ એક રહેણાંક મકાન પર વિજળી ત્રાટકતા સદ્ભાગ્યે કોઈજાન હાનિ થઈ ન હતી પરંતુ મકાનના છાપરા ને નુકશાન થયું હતું અને ઘરમાં વીજ ઉપકરણોને નુકશાન પહોચ્યું હતું. વીજળી પડતાં લોકોમાં ભયનું વાતાવરણ છવાયું હતું.

  • Follow us on: