અમદાવાદના વાડજમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. વાડજમાં ખાડા પડેલ રોડમાં કામગીરી હાથ ધરતા નવો રોડ બનાવવામાં આવ્યો. નવો રોડ બનાવ્યા બાદ તંત્રને યાદ આવ્યું કે રોડ નીચે ડ્રેનેજનું કામ તો બાકી રહી ગયું છે. અને હવે ફરી નવો રોડ તોડી ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી. સ્થાનિકો અત્યારે બોર્ડ પરીક્ષાના સમયમાં પાલિકાની બેદરકારીનો ભોગ બની રહ્યા છે.


નવો રોડ બનાવ્યો બાદ ડ્રેનેજની કામગીરી

પ્રાપ્ત માહિતી મુજબ વાડજમાં તંત્ર દ્વારા નવો બનાવેલ આખો રોડ તોડી ડ્રેનેજ કામગીરી હાથ ધરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આ વિસ્તારના વિદ્યાર્થીઓ તંત્રની ભૂલનો ભોગ બન્યા છે. નવા વાડજમાં મનપાની સ્કૂલની બહાર જ રોડ તોડતા રાહદારી,વાલીઓ અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટીના ટેકરામાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.આ વિસ્તારના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા ભારે ટ્રાફિકમાથી પસાર થવાના કારણે પરીક્ષા કેન્દ્ર પર પંહોચવામાં વધુ સમય લાગે છે. તેમજ આ રસ્તેથી પસાર થતા તેમના બાળકોને ઇજા ના પંહોચે તેવી વાલીઓને ચિંતા રહે છે. વિદ્યાર્થીઓનો કિમંતી સમય અત્યારે ટ્રાફિકમાં વેડફાઈ રહ્યો છે.

તંત્રની બેદરકારીના કારણે રહીશોને સજા

વાડજમાં રોડ પરના ડ્રેનેજ કામગીરીને લઈને રાહદારીઓની પણ મુશ્કેલીઓ વધી છે. કારણ કે વાડજનો રસ્તેથી એરપોર્ટ તેમજ સાબરમતીના ગાંધી આશ્રમ અને શાહીબાગ જવા માટે વધુ ઉપયોગ થાય છે. આ માર્ગનો વધુ ઉપયોગ કરનાર વાહનચાલકોને અત્યારે ભારે અગડવતાનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વાડજ પર અવારનવાર માર્ગ બનાવવા તેમજ બ્રિજને લઈને કામગીરી થતી હોવાના કારણે હંમેશા આ વિસ્તારના રહીશો ટ્રાફિકના ભારથી પરેશાન રહે છે. લાંબા સમયથી તૂટેલા રોડને નવો કરવામાં આવ્યો પણ પાલિકા ડ્રેનેજનું કામ કરવાનું ભૂલી ગઈ. હાલમાં તંત્રે કરેલી ભૂલનું પરિણામ રાહદારીઓ સહિત સ્કૂલે જતા બાળકો અને પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. ભૂલ કરે કોઈ અને ભોગવે બીજા તેવા અત્યારે વાડજના રહીશોનો ઘાટ છે.

  • Follow us on: