રાજકોટમાં ગંદકીને લઈને સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો. શહેરમાં કેવડાવાળીમાં વોકળાના કારણે ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. વોકળાના કારણે ઉદભવેલ ગંદકીના કારણે કેવડાવાળીના સ્થાનિકોએ તંત્રના બહેરા કાને અવાજ સંભળાય માટે થાળી વગાડીને વિરોધ કરવામા આવ્યો. સ્થાનિકોએ અગાઉ પણ વોકળાના કારણે થતી ગંદકી દૂર કરવા કોર્પોરેશનને રજૂઆત કરી હતી. છતાં પણ ઘોર નિંદ્રામાં પોઢી ગયેલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા નમૂના પૂરતી પણ કામગીરી કરવામાં આવી નહી. અને એટલે જ આજે ભારે ગંદકી મામલે સ્થાનિકો આકારાપાણીએ જોવા મળ્યા. સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે શું Smart સીટી બનશે સ્વચ્છ City ?
કેવડાવાળીમાં સ્થાનિકોમાં ઉગ્ર રોષ
કેવડાવાળીના લોકો આજે આકરાપાણીએ જોવા મળ્યા. અમારી સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે ત્યાં પંહોચી ત્યારે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. તંત્રની સુસ્ત કામગીરીને લઈને સ્થાનિકોએ રોષ ઠાલવતાં કહ્યું કે વોકળાના કારણે આ વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. વોકળાની સફાઈ કરવા અનેક વખત કોર્પોરેશનને અમે રજૂઆત કરી છે. આજે વોકળાના કારણે ફેલાયેલ ગંદકીથી આ વિસ્તારના મોટાભાગના ઘરોમાં લોકો બીમાર થઈ રહ્યા છે. વોકળાની ગંદકી લોકોને ગંભીર બીમારીના ભરડામાં લઈ રહી છે. લોકો પોતાના વિસ્તારની સ્વચ્છતાને લઈને વધુ ધ્યાન આપે છે પરંતુ વોકળાની સફાઈ કરવાની કોર્પોરેશનની જવાબદારી છે. ત્યારે પોતાની જવાબદારી ના નિભાવતા કોર્પોરેશનના અધિકારીઓ ઉજવણીઓ અને ઉદઘાટનોમાં વ્યસ્ત રહેતા હોય છે. જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે અધિકારીઓ ગલ્લાં-તલ્લાં કરવા લાગે છે.
અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય
વોકળાના કારણે ભારે ગંદકી ફેલાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એટલે જ કોર્પોરેશનને ગાઢ નિંદ્રામાંથી જગાડવા થાળી વગાડી સ્થાનિકો અને મહિલા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગંદકીના કારણે ઘેર-ઘેર બીમારી ફેલાઈ છે અને જો અત્યારે વોકળામાં સફાઈ કરવામાં નહી આવે તો ચોમાસામાં કેવી હાલત હશે તેને કલ્પના કરવી મુશ્કેલ છે. અમારી માગ છે કે તાત્કાલિક ધોરણે વોકળામાં સફાઈ કરવામાં આવે. મહત્વનું છે કે એક વખત રાજકોટને સ્માર્ટ સીટીમાં ત્રીજું સ્થાન મળ્યું હતું. ત્યારે સ્માર્ટ સીટી બનેલ રાજકોટ સ્વચ્છતા મામલે કેમ પાછળ પડ્યું છે તેને લઈને સવાલ ઉદભવે છે. હાલમાં રાજકોટમાં કેવડાવાળી ઉપરાંત સેટેલાઈટ ચોક, પેડક રોડ, કુવાડવા રોડ રણછોડ નગર જેવા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.