- વડોદરામાં ભાજપે કોંગ્રેસનો ખેલ પાડ્યો
- ભાજપના હેમાંગ જોષીની જીત
- રાજકિય જંગમાં જશપાલસિંહ પઢીયારની હાર
વડોદરા લોકસભા બેઠક પરથી લોકસભા 2024ની ચૂંટણીમાં ડૉ. હેમાંગ જોષીએ જીત મેળવી છે. ભાજપે વડોદરા બેઠક પર ડૉ.હેમાંગ જોશીને મેદાને ઉતાર્યા હતા જ્યારે સામે કોંગ્રેસે જશપાલસિંહ પઢીયાર મેદાને ઉતાર્યા હતાં. બંને ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરીને મતદારોને રિઝવવા પ્રયાસ કર્યા હતા પરંતુ જેમાં ભાજપ સફળ રહ્યું છે.
વડોદરામાં ભાજપના ડો. હેમાંગ જોષીની જીત
લોકસભા 2024ની ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ બેઠક પર ખૂબ જ રસાકસી જોવા મળી હતી કારણ કે પહેલા ભાજપે વડોદરાના સિટિંગ સાંસદ રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. રંજનબેન ભટ્ટને ઉમેદવારી સોંપ્યાના થોડા જ કલાકોમાં તેમનો વિરોધ શરૂ થઈ ગયો હતો. ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જે બાદ અકક્ષહનક જ રંજનબેન દ્વારા ઉમેદવારી પછી ખેંચી લેવામાં આવી હતી અને ત્યારબાદ ડો. હેમાંગ જોષીને ઉમેદવારી સોંપવામાં આવી હતી જે બાદ હવે આજે પરિણામ સામે આવ્યા તેમાં વડોદરામાં ભાજપના હેમાંગ જોષીની જીત થઈ છે.
વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારો
વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો આ વખતે ભાજપે વડોદરા લોકસભા બેઠક પર ડો. હેમાંગ જોષીને ઉમેદવારો સોંપી હતી અને તેમની સામે હતા કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર. ભાજપના ડો. હેમાંગ જોષી ભાજપ યુવા મોરચામાં કામ કરી ચુક્યા છે. તેમજ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. વ્યવસાયે તબીબ છે અને મૂળ પોરબંદરના વતની છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ પણ છે. જ્યારે જશપાલસિંહ પઢીયાર પાદરાના પૂર્વ ધારાસભ્ય છે. તેમજ તેઓ ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો છે. એકલબારા રાજવી પરિવારમાંથી આવે છે. સ્થાનિક સ્તરે સ્વીકૃત ચહેરો છે સાથો સાથ નિર્વિવાદીત છબી ધરાવે છે.
વડોદરા લોકસભા બેઠકના જ્ઞાતિવાદી સમીકરણો
વડોદરા લોકસભામાં આશરે 4.27 લાખ OBC મતદાર છે. આ સાથે જ અહી મહારાષ્ટ્રીયન મતદાર પણ મહત્વની ભૂમિકામાં ભજવતા હોય છે. વડોદરામાં મહારાષ્ટ્રીયન મતદારની સંખ્યા લગભગ 3 લાખ 49 હજાર છે. જ્યારે વૈષ્ણવ, પાટીદાર અને ક્ષત્રિય મતદાર પણ મહત્વના સાબિત થાય છે. વડોદરા લોકસભા બેઠક પર 61.59 ટકા મતદાન થયું હતું. જેમાં સાવલીમાં 65.39 ટકા, વાઘોડિયામાં 70.29 ટકા જ્યારે વડોદરા શહેરમાં 59.76 ટકા, સયાજીગંજમાં 59.16 ટકા, અકોટામાં 60.30 ટકા જ્યારે રાવપુરામાં 57.95 ટકા તેમજ માંજલપુરમાં 60.47 ટકા મતદાન નોંધાયું હતું.