- પાટણ લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર
- પાટણમાં ભાજપે ભરતસિંહ સાથે જીતની હેટ્રિક લગાવી છે
- આ પહેલા કોંગ્રેસનો ગઢ હતું પાટણ
પાટણ લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર ભાજપે જીતની હેટ્રિક લગાવી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની હાર થઈ છે. તેમની સામે ભાજપમાંથી ભરતસિંહજી ડાભીની જીત નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે, ભાજપના ભરતસિંહજને 5,82,972 મત મળ્યા છે. આ સાથે જ, કોંગ્રેસ ઉમેદવારને 5,53,715 મત મળ્યા છે. જોકે, 29,257 મતોના અંતર સાથે ભાજપની જીત થઈ છે.
રાહુલ ગાંધી સાથે કર્યો હતો પ્રચાર
તમને જણાવી દઈએ કે ચંદનજી ઠાકોરના સમર્થનમાં રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત, કરિણસિંહ ઠાકોર સહિત અનેક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં પણ જોડાયા હતા. આમં, ભાજપમાં મોટું ગાબડું પણ પડ્યું હતું. ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર સમયે પોતાની પાઘડી ઉતારીને લોકો પાસેથી તેમના મત માંગ્યા હતા. આથી, આ રીતનો અનોખો પ્રચાર તેમના માટે ખૂબ જ ફાયદાકારક બની રહ્યો તેવું લાગી રહ્યું છે.
પાટણ લોકસભા મતવિસ્તારમાં જાતિગત સમિકરણ
ઠાકોર, અનુસૂચિત જાતિ, ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકો આવે છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ભાજપે ફરીથી ઉમેદવાર જાહેર કર્યા હતા.
અગાઉની ચૂંટણીનું પરિણામ
2019ની સામાન્ય ચૂંટણીમાં ભરતસિંહ ડાભીએ 1,93,871 મતોથી કોંગ્રેસના જગદીશ ઠાકોરને હરાવ્યા હતા. 2014માં ભાજપે લીલાધર વાઘેલાની ટિકિટ આપી હતી. જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1,38,719 મતથી હરાવ્યા હતા. પાટણના મતદાતાઓની વાત કરીએ તો, 8,46,195 પુરુષ મતદાતા છે. જ્યારે 7,82,446 મહિલા મતદાતા છે.