- અમરેલીમાં જેની ઠુમ્મરની કારમી હાર
- અમરેલીમાં સતત ચોથીવાર ભાજપ જીત્યું
- અમરેલીમાં 50.29 ટકા મતદાન થયું હતું
અમરેલી લોકસભા બેઠક કે જ્યાં ભાજપે ભરત સુતરીયાને મેદાને ઉતાર્યા હતા અને તેમની સામે હતા કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર... છેલ્લા ત્રણ ટર્મથી અમરેલી લોકસભા સીટ પર ભાજપની જીત થતી રહી છે. હવે આ વખતે પણ અમરેલી લોકસભા બેઠક પર ભાજપના નવા ઉમેદવાર ભરત સુતરીયાએ બાજી મારી લીધી છે અને કોંગ્રેસના જેનીબેનને કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.
અમરેલીમાં કુલ 50.29 ટકા મતદાન
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મી મે, ના રોજ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ત્યારે અમરેલીમાં કુલ 50.29 ટકા મતદાન થયું હતું. જેમાં વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરવામાં આવે તો અમરેલીમાં 49.05 ટકા, ધારીમાં 46.09 ટકા, ગારીયાધરમાં 47.44 ટકા, લાઠીમાં 50.45 ટકા, મહુઆમાં 58.06 ટકા, રાજુલામાં 52.43 ટકા અને સાવરકુંડલામાં 47.00 ટકા મતદાન નોંધાયું હતું.
અમરેલીમાં લેઉવા પાટીદારના મતદારોનું વર્ચસ્વ
અમરેલી લોકસભા બેઠક પર કુલ 17 લાખથી વધુ મતદારો રહેલા છે. જેમાં સૌથી વધારે મતદારો એટલે કે 4 લાખ જેટલા પાટીદાર મતદારો છે અને એમાં પણ લેઉવા પાટીદારના મતદારોની સંખ્યા વધારે છે. ત્યારે અમરેલી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ભરત સુતરિયાને અને કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમરને ટિકિટ આપી હતી.
અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારો
અમરેલી બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા વર્તમાન સમયમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. ભરત સુતરીયા લાઠીના બારૈયા ગામના છે. તેઓ લેઉવા પાટીદાર સમાજના છે. ભરત સુતરીયા વ્યવસાયે ખેડૂત છે, અને ધોરણ-10 પાસ છે. ભરત સુતરીયા 2010-15 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા અને 2019 પછી નગરપાલિકા પ્રભારી હતા. છેલ્લા છ મહિનાથી તેઓ અમરેલીના જિલ્લા પંચાયત પ્રમુખ છે. જ્યારે જેનીબેન ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા વિરજી ઠુંમ્મરના પુત્રી છે. જેનીબેન ઠુમ્મર યુવા કોંગ્રેસ નેતા છે. હાલ કોંગ્રેસમાં તેઓ સૌરાષ્ટ્ર મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. જેની ઠુમ્મરે વર્ષ 2015માં અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવળિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.