ગત મોડી રાત્રે પ્રયાગરાજ ખાતે સર્જાયેલી ભાગદોડની ઘટનાને લઈને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મૌની અમાસને લઈને દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ હાલમાં પ્રયાગરાજ ખાતે સ્નાન કરવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ પ્રયાગરાજના સંગમ તીર્થ ખાતે ભારે ભાગદોડની ઘટના બની હતી.
ભાગદોડની ઘટનામાં અનેક યાત્રીઓ થયા ઈજાગ્રસ્ત
આ ભાગદોડની ઘટનામાં 10થી વધારે શ્રદ્ધાળુઓના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જ્યારે અન્ય ઘણા યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્ત થયેલા યાત્રીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બનાવને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદારથી પણ શ્રદ્ધાળુઓ ત્યાં ગયા છે.
ગુજરાતના તમામ શ્રદ્ધાળુઓ સલામત
વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું હતું કે વર્ષોના સંયોગ બાદ જ્યારે કુંભમેળાનું આયોજન થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે શ્રદ્ધાળુઓ સંગમ તટે સ્નાન માટે ઉમટી પડ્યા હતા, અલબત્ત ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કુંભ મેળા માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હોવા છતાંય આ કરુણ ઘટના સર્જાઈ છે, જેમાં કેટલાક યાત્રાળુઓના અવસાન થયા હોવાની માહિતી પણ આવી છે. તેને લઈને દુઃખ વ્યક્ત કરું છું અને વડોદરાથી ગયેલા શ્રદ્ધાળુઓ વિશે કોઈ દુઃખદ સમાચાર મળ્યા નથી.