સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે હથિયારો સાથેના રીલ પોસ્ટ કરનારા સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જામનગરમાં ઈન્સ્ટાગ્રામ પર એરગન સાથેનો વીડિયો પોસ્ટ કરનારા બે શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસે બંને શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને માફી મગાવી હતી. બંને શખ્સોને હથિયાર સાથે સીનસપાટા કરવા મોંઘા પડ્યા હતાં.


સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરમાં પોલીસે સોશિયલ મીડિયા પર રૌફ જમાવનારા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયારો સાથેના વીડિયો અપલોડ કરનારા લોકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. જે અંતર્ગત ઈન્સ્ટાગ્રામ પર બે શખ્સોએ એરગન સાથેનો વીડિયો પોસ્ટ કરતાં પોલીસે તેમને પકડી પાડ્યા હતાં. આ બે શખ્સોએ કોઈ પ્રસંગ દરમિયાન જાહેરમાં હાથમાં એરગન રાખીને વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

વીડિયો ધ્યાને આવતાં બંને યુવકોને પકડ્યા હતાં

પોલીસે સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન આ વીડિયો ધ્યાને આવતાં બંને યુવકોને પકડ્યા હતાં અને તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ બંને શખ્સો પાસે માફી મગાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાતો રાત સોશિયલ મીડિયામાં ફેમસ થઈ જવા અથવા તો લોકોમાં રૌફ જમાવવા માટે કેટલાક લોકો આ પ્રકારના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં હોય છે. પોલીસે આવા લોકો સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.


  • Follow us on: