• ભારે વરસાદથી પૂરમાં પશુઓ તણાયા
  • અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનો ડૂબ્યા
  • કલેક્ટરે પોરબંદર જિલ્લાનું નિરીક્ષણ કર્યું

બે દિવસથી પોરબંદરમાં જળતાંડવ થતા લોકોની મુશ્કેલી વધી રહી છે,ઘરની બહાર નિકળવુ અઘરૂ થઈ ગયું છે.પોરબંદરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનો પાણીમાં ડૂબી ગયા છે.ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં પશુઓ તણાયા છે.તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે સાથે સાથે જિલ્લા કલેકટર દ્વારા પોરબંદર જિલ્લાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

NDRFની ટીમ તૈનાત

રાજ્યમાં ભારે વરસાદથી NDRF સ્ટેન્ડબાય છે. જેમાં નર્મદા, કચ્છમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, વલસાડમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. જેમાં દ્વારકા, જૂનાગઢમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા ભાવનગર, અમરેલીમાં NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા સુરત, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ તૈનાત છે. આમ ગુજરાતમાં દસ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.


પોરબંદરમાં કેડ સમા પાણી ભરાયા

મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ગોઠણડૂબ તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે.

રેલ વ્યવહાર ખોરવાયો

રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. પોરબંદરમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે. 3 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરાઈ છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ જ્યારે 2 ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર આજના દિવસે સંપૂર્ણપણે રદ રહેશે. રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.

એમજી રોડ પર ભારે માત્રામાં પાણી

પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરનો એમ.જી રોડ બેટમાં ફેરવાયો છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે.અતિભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. પોરબંદર શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જે પછી બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. અનેક સ્થળે હોર્ડિંગ્સ થયા ધરાશાયી થયા છે. તો પાણી ભરાતા એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે.


  • Follow us on: