અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગુંજાર ગામેથી એક અત્યંત આઘાતજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ગુંજાર ગામે રહેતી એક 30 વર્ષીય પરણિતાએ પારિવારિક વિખવાદ અને રોજ-રોજના ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.


શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી

મળતી માહિતી મુજબ, ગુંજાર ગામે રહેતા શિલ્પાબેન ગણપતભાઇ કણઝરિયા (ઉંમર વર્ષ 30) લાંબા સમયથી ઘરના આંતરિક કંકાસથી માનસિક રીતે પરેશાન હતા. આ રોજિંદા વિવાદથી કંટાળીને આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાના સુમારે તેમણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. શિલ્પાબેને પોતાના ઘરમાં જ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી અને અગ્નિસ્નાન કરી લીધું હતું.

શરીરે ગંભીર રીતે દાઝી ગયા

પરણિતાની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં શિલ્પાબેન શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કર્યા બાદ, સ્થિતિ વધુ નાજુક જણાતા તબીબોની સલાહ અનુસાર તેમને વધુ સઘન સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ધંધુકા પોલીસનો કાફલો સક્રિય થયો છે અને કયા કારણોસર ઘરકંકાસ થતો હતો તેમજ આત્મઘાત પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live :ભારત માટે રાહત, હોર્મુઝ પાર કરીને LNG જહાજ ગુજરાત પહોંચ્યું

  • Follow us on: