યાત્રાધામ અંબાજીના 8 નંબર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવેલા આતંક અને ભયના વાતાવરણને ડામવા માટે અંબાજી પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે.સ્થાનિકોને હેરાન-પરેશાન કરનારા અને કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વો સામે પોલીસ ટીમે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ઝડપી અને કડક કાર્યવાહી હાથ ધરી છે.


પથ્થરમારો કરી લાકડીઓ વડે હુમલો પણ કર્યો

મળતી માહિતી મુજબ,જ્યારે અંબાજી પોલીસની ટીમ આરોપીઓને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે આરોપીઓએ પોલીસની ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો.આટલું જ નહીં, આરોપીઓએ પોલીસ ટીમ પર પથ્થરમારો કરી લાકડીઓ વડે હુમલો પણ કર્યો હતો.આ હુમલામાં પોલીસના વાહનને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.અડગ રહેલી પોલીસે હિંમતપૂર્વક પરિસ્થિતિને કાબૂમાં લઈ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમાં દિનેશ લાડુ ચૌહાણ, વિકા લાડુ ચૌહાણ અને કાળુભાઈ લીમ્બાભાઈ ચૌહાણ નો સમાવેશ થાય છે. 

સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું 

ધરપકડ બાદ પોલીસે ઘટનાસ્થળે જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું.જેથી પુરાવા મજબૂત બને અને આરોપીઓને કાયદાના સકંજામાંથી બચવાની તક ન મળે.અંબાજી પોલીસે કાયદાનો ભંગ કરનાર તત્વોને કડક સંદેશ આપતા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.આ ઉપરાંત, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અને જીપી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ તંત્રના આ પગલાથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચોમાસામાં અકસ્માત ટાળવા સ્ટોપ અને ડાયવર્ઝન દર્શાવતા કટઆઉટ તૈયાર



  • Follow us on: