અમરેલી જિલ્લાના વડિયા પંથકમાંથી એક હૃદયદ્રાવક અને વહીવટી તંત્રને હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. વડિયામાં રહેતા મનસુખભાઈ જીણાભાઈ નામના એક સ્થાનિક ખેડૂતે આર્થિક અને સામાજિક હેરાનગતિથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આપઘાતનું આ પગલું ભરતા પહેલાં ખેડૂતે પોતાની ગંભીર આપવીતી અને પીડા દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ખેતરનો રસ્તો બંધ થતાં પરેશાની
વાયરલ વીડિયોમાં મનસુખભાઈએ આક્ષેપ કર્યો છે કે, કેટલાક શખ્સો દ્વારા તેમના ખેતરનો અવરજવર માટેનો મુખ્ય રસ્તો દબાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. તેમણે વીડિયોમાં હેરાન કરનારા જવાબદાર વ્યક્તિઓ અને તેમના દીકરાના નામોનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ખેડૂતે આક્રોશ સાથે જણાવ્યું કે, સામેવાળા વ્યક્તિઓની રાજકીય અને સામાજિક વગ એટલી મજબૂત છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તેમને ક્યાંયથી ન્યાય મળતો ન હતો. આ દબાણ અને અન્યાયથી કંટાળીને આખરે તેઓ આ આત્મઘાતી પગલું ભરી રહ્યા છે.













