અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામના દલિત યુવક મહેશ રાઠોડના મોતના ચકચારી મામલામાં આખરે બે મહિના બાદ વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન એક્શનમાં આવ્યું છે. પીડિત પરિવાર દ્વારા ન્યાય માટે આપવામાં આવેલી આક્રમક આંદોલનની ચીમકીને પગલે દોડતા થયેલા તંત્રએ આ કેસની તટસ્થ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાની લેખિત ખાતરી આપી છે. તંત્રના આ હકારાત્મક વલણ બાદ પરિવારે પોતાનું ઉગ્ર આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવાનો મોટો નિર્ણય કર્યો છે.


સિવિલમાં જમવા બાબતે થયેલી મારામારીમાં નીપજ્યું હતું મોત

ગત 17મી એપ્રિલના રોજ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જમવા બાબતે એક મારામારીની ઘટના સર્જાઈ હતી. આ લોહીયાળ સંઘર્ષમાં ગોપાલગ્રામના દલિત યુવક મહેશ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મૃતક મહેશ રાઠોડનો પરિવાર અને સ્થાનિક દલિત સમાજના આગેવાનો છેલ્લા બે મહિનાથી ન્યાય મેળવવા અને આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે સતત રજૂઆતો કરી રહ્યા હતા.

તપાસમાં ગંભીર કલમો ઉમેરવા માંગ

મૃતકના પરિવારનો આક્ષેપ હતો કે પોલીસ દ્વારા આ કેસની તપાસમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે અને ગુનાની ગંભીરતા મુજબની કલમોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ન્યાય ન મળતા આખરે પરિવારે ગઈકાલે અમરેલી કલેક્ટરને એક લેખિત પત્ર પાઠવીને અત્યંત ચોંકાવનારી ચીમકી આપી હતી. પરિવારે જણાવ્યું હતું કે જો તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો તેઓ દફન કરેલા મહેશ રાઠોડના શબને જમીનમાંથી બહાર કાઢીને સીધા કલેક્ટર કચેરી ખાતે લાવી વિરોધ પ્રદર્શન કરશે.

પોલીસ અને પ્રશાસનની ટીમ ગોપાલગ્રામ પહોંચી

આ ગંભીર ચીમકીને પગલે સમગ્ર અમરેલી જિલ્લાના સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અગમચેતીના ભાગરૂપે પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ગોપાલગ્રામ ખાતે મૃતક યુવકના ઘરે પહોંચ્યો હતો. અધિકારીઓએ પરિવાર સાથે બંધ બારણે બેઠક યોજીને સમગ્ર કેસની નવેસરથી અને તટસ્થ તપાસ કરવા માટે ખાસ 'SIT' (સીટ) ની રચના કરવાની સત્તાવાર ખાતરી આપી હતી. તંત્ર તરફથી યોગ્ય તપાસ અને કડક કલમો ઉમેરવાની ખાતરી મળતા, પરિવારે લાશને બહાર કાઢવાનો પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: