અમરેલી જિલ્લાના ધારી પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધારીના વેકરીયા પરા વિસ્તાર નજીક આવેલી એક વાડીમાં અસામાજિક તત્વોએ રીતસર આતંક મચાવ્યો હતો. વાડીમાં નાહવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દારૂના નશામાં ધૂત શખ્સોએ વાડી માલિક અને તેમના ભાઈ પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ભોગ બનનાર બંને વ્યક્તિઓ ધારીના પૂર્વ ધારાસભ્યના સગા ભાઈઓ હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
વાડીમાં નાહવાની ના પાડતા દારૂડિયા શખ્સોનો હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, ધારીના વેકરીયા પરા નજીક આવેલી વાડીમાં કેટલાક આવારા તત્વો દારૂ પીધેલી હાલતમાં ઘૂસી આવ્યા હતા અને ત્યાં નાહવાની જીદ કરવા લાગ્યા હતા. વાડી માલિકે આ નશાખોર શખ્સોને પવિત્ર જગ્યાએ નાહવાની અને ગેરવર્તણૂક કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ના પાડવાની વાત અસામાજિક તત્વોને હજમ ન થતાં, તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વાડી માલિક તેમજ તેમની સાથે હાજર અન્ય પ્રૌઢ પર લાકડીઓ અને હથિયારો વડે તૂટી પડ્યા હતા. હુમલામાં પૂર્વ ધારાસભ્યના બંને પ્રૌઢ ભાઈઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.













