અમરેલીના લાઠી પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓને આંચકો આપતા સમાચાર સામે આવ્યા છે. ધારી ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જ હેઠળ આવતા લુવારિયા વીડી વિસ્તારમાં એક સિંહણનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગની ઘોર બેદરકારી અને પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.


વન પ્રશાસનની ઘોર લાપરવાહી

મળતી વિગતો મુજબ, મૃતક સિંહણ છેલ્લા બે દિવસથી લુવારિયા વીડી વિસ્તારમાં ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. વન વિભાગનો સ્ટાફ આ બાબતથી તદ્દન અજાણ હતો અને આખરે સિંહણે દમ તોડી દીધો ત્યારે સ્થાનિક ગ્રામજનોએ તેની જાણ કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, જવાબદાર ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતા હોવાથી વિસ્તારમાં પેટ્રોલિંગનો તદ્દન અભાવ જોવા મળ્યો છે.

સી.એફ. દ્વારા કડક તપાસના આદેશ

સિંહણના મોતના પગલે જૂનાગઢ વર્તુળના સી.એફ. રામ રતન નાલાએ તાત્કાલિક કડક વલણ અપનાવ્યું છે. તેમણે આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ માટે ગીર પૂર્વના એ.સી.એફ., વિતરણ એ.સી.એફ. તેમજ શેત્રુંજી ડિવિઝનના એ.સી.એફ. સહિત ત્રણ ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ વિસ્તારમાં એક નર સિંહે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: