અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી આગ લાગવાની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના કુંભારીયા ગામે બસ સ્ટેન્ડની બિલકુલ સામે આવેલી એક ગૌશાળામાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સમયસૂચકતા અને સામૂહિક પ્રયાસોના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
રાજુલા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે
ઘટનાની મળતી વિગતો અનુસાર, કુંભારીયા બસ સ્ટેન્ડ સામે આવેલી ગૌશાળામાં અચાનક આગ લાગતા જ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગૌશાળામાં રહેલા અબોલ પશુઓનો જીવ જોખમમાં મુકાતા ગામલોકોએ તાત્કાલિક એકઠા થઈને પોતપોતાની રીતે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના ભગીરથ પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ આગ વધુ વિકરાળ હોવાના કારણે આ અંગે તાત્કાલિક રાજુલા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.













