એશિયાટિક સિંહોના ગઢ ગણાતા ગીર વિસ્તારમાંથી સિંહોના મોતના ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના સરસિયા રાઉન્ડ હેઠળ આવતી લુવારિયા વીડીમાં એક સગર્ભા સિંહણનું બીમારીના કારણે કરૂણ મોત નીપજ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી આ સિંહણ બીમાર હાલતમાં તરફડી રહી હતી અને ગત મોડી રાત્રે તેણે દમ તોડી દીધો હતો. સિંહણના મોતને પગલે વન વિભાગની પેટ્રોલિંગ પ્રક્રિયા અને બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.


વિસ્તારમાં યોગ્ય પેટ્રોલિંગનો અભાવ

ઘટનાની મળતી વિગતો અનુસાર, આ મૃત સિંહણ છેલ્લા બે-ત્રણ દિવસથી કૃષ્ણનગર અને લુવારિયા વિસ્તારમાં અસ્વસ્થ અને બીમાર હાલતમાં ફરતી જોવા મળી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં ફરજ બજાવતા સ્થાનિક ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતા હોવાથી વિસ્તારમાં યોગ્ય પેટ્રોલિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. જો સમયસર સિંહણની બીમારી પારખીને તેને ટ્રીટમેન્ટ આપવામાં આવી હોત, તો કદાચ સિંહણ અને તેના ગર્ભમાં રહેલા જીવ બચી શક્યા હોત. અગાઉ પણ આ જ સરસિયા રાઉન્ડના લુવારિયા વીડી વિસ્તારમાં બીમારીના કારણે સિંહનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

ઉચ્ચ અધિકારીઓ મીડિયાના ફોન ઉપાડવાનું ટાળ્યું

નોંધનીય છે કે, ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં ટૂંકા ગાળામાં 12 થી વધુ સિંહોના મોત થઈ ચૂક્યા છે. ગીરમાં વનરાજોના ટપોટપ થઈ રહેલા મોતના કારણે વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી છે. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં, ધારી ગીર પૂર્વના ડીસીએફ (DCF) અને એસીએફ (ACF) કક્ષાના ઉચ્ચ અધિકારીઓ મીડિયાના ફોન ઉપાડવાનું ટાળી રહ્યા છે અને મૌન સેવી રહ્યા છે, જેને કારણે વન વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. હાલ સિંહણના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વન વિભાગે આગળની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Amreli News: ચલાળામાં વીજળીનો કહેર, PGVCL કચેરીના ટ્રાન્સફોર્મરમાં લાગી આગ


  • Follow us on: