ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરતા એન્ટી કરપ્શન બ્યુરોએ અમરેલી જિલ્લાના બાબરામાં એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓ પર ગાળિયો કસ્યો છે. બાબરા નગરપાલિકામાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્ક જન્મ તારીખનો દાખલો કાઢી આપવા જેવી સામાન્ય કામગીરી માટે રૂ. 4,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા છે. એસીબીની આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.



જન્મના દાખલા માટે કરી હતી લાંચની માંગણી

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ કેસના ફરિયાદીને તેમના મિત્રની દીકરીના જન્મ તારીખનો દાખલો કઢાવવાનો હતો. આ સરકારી કામગીરી માટે તેઓ જ્યારે બાબરા નગરપાલિકા કચેરી ખાતે ગયા ત્યારે ત્યાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક નનુભાઈ મામૈયાભાઈ ગમારા (ઉંમર વર્ષ 54) એ આ કામ કરી આપવાના બદલામાં શરૂઆતમાં રૂ. 5,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી સાથે થયેલી વાતચીત અને રકઝકના અંતે રૂ. 4,000 આપવાનું નક્કી થયું હતું.


એસીબીએ ગોઠવ્યું કેમિકલયુક્ત નોટોનું છટકું

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે તાત્કાલિક એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમરેલી એસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ભાવનગર એસીબીના મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ બાબરા ખાતે એક મજબૂત છટકું (ટ્રેપ) ગોઠવવામાં આવ્યું હતું.


લાંચની રકમ રિકવર કરાઈ

આજે ગોઠવાયેલા આ છટકા દરમિયાન નગરપાલિકા કચેરી ખાતે જુનિયર ક્લાર્ક નનુભાઈ ગમારાએ ફરિયાદી પાસેથી નક્કી થયેલી લાંચની રકમ રૂ. 4,000 સ્વીકારી હતી. ક્લાર્કે લાંચના નાણાં હાથમાં લેતા જ અગાઉથી વોચમાં ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો અને લાંચની રકમ રિકવર કરી લીધી હતી.


આરોપી ક્લાર્કની અટકાયત, તપાસ તેજ

એસીબીની ટીમે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપી ક્લાર્ક નનુભાઈ ગમારાની અટકાયત કરી લીધી છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને એસીબી અમરેલી દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. સામાન્ય જનતાના હકના સરકારી દસ્તાવેજો આપવા માટે પણ લાંચ માંગતા આવા તત્વો સામે એસીબીની આ સફળ કાર્યવાહીને સ્થાનિક લોકોએ બિરદાવી છે.


આ પણ વાંચો - Amreli News: પ્રખ્યાત આગાહીકાર જયપ્રકાશ માઢકે કરી ચોમાસાની ભવિષ્યવાણી, જાણો ક્યારથી શરૂ થશે વાવણી


  • Follow us on: