એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાંથી સિંહપ્રેમીઓ માટે એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી વન વિભાગ હેઠળ આવતી ગીર પૂર્વની પ્રખ્યાત દલખાણીયા રેન્જમાંથી એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મળતી વિગતો મુજબ, દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલા એક સ્થાનિક મંદિરના પાછળના ભાગમાંથી સિંહનો આ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે.


નર સિંહનું મોત થતાં વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે

ઘટનાની ગંભીરતાને જોતાં દલખાણીયા રેન્જના વન અધિકારીઓ અને ટ્રેકર્સ સહિતનો ઉચ્ચ વન કર્મચારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલો વનરાજ પૂર્ણ વિકસિત 'નર સિંહ' હોવાનું સામે આવ્યું છે. વન વિભાગની ટીમે સિંહના નખ, દાંત અને વાળ જેવા અંગો સુરક્ષિત છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરી, આસપાસના વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.

PM રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે

વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહને એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે. સિંહનું મોત કોઈ કુદરતી કારણોસર, બીમારીના લીધે, અન્ય સિંહ સાથેના ઇન-ફાઇટમાં થયું છે કે પછી આ પાછળ કોઈ શિકાર કે ઝેર જેવું અન્ય શંકાસ્પદ કારણ જવાબદાર છે, તે અંગે વન વિભાગ હાલ કશું પણ કહેવાનું ટાળી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેટરનરી ડૉક્ટરોના પેનલ દ્વારા કરવામાં આવનારા પીએમનો રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના મોતના સાચા કારણોનો પર્દાફાશ થશે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: