અમરેલી જિલ્લાના રાજુલા-ઉના રોડ પરથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક અત્યંત કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર અચાનક આડી ઉતરેલી ગાય સાથે એક બાઇક ધડાકાભેર અથડાયું હતું. બાઇક અને ગાય વચ્ચેની આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર બંને યુવાનો રોડ પર જોરથી ફંગોળાયા હતા. આ દુર્ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
એક ઈજાગ્રસ્ત યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ ગોઝારા અકસ્માતમાં બાઇક સવાર એક યુવાનને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવાન અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ હાઇવે પેટ્રોલિંગની 112ની ટીમ અને 108 એમ્બ્યુલન્સની વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પેરામેડિકલ સ્ટાફે ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.













