ગીરના જંગલમાં સિંહની પજવણી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવો બે યુવકોને ભારે પડ્યો છે.અમરેલીના ધારી વન વિભાગ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરીને વીડિયો બનાવી અપલોડ કરનાર બંને યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે.ધારી વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડ નજીક આ ઘટના બની હતી.અહીં બે યુવકો દ્વારા વન્ય પ્રાણી સિંહની નજીક જઈને તેની પજવણી કરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવ્યો હતો.


બંને શખ્સોને શોધી કાઢીને વન વિભાગે અટકાયત કરી

આ વીડિયો વન વિભાગના ધ્યાને આવતા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.વીડિયો વાયરલ થતાં જ વન વિભાગની ટીમે સતર્કતા દાખવી તપાસ શરૂ કરી હતી.ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીના આધારે સિંહની પજવણી કરનાર બંને શખ્સોને શોધી કાઢીને વન વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.વન વિભાગ દ્વારા પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વન્ય પ્રાણીઓની પજવણી કરનારની ખેર નથી: DCF

આ સમગ્ર મામલે ધારી ડિવિઝનના ડીસીએફ વિકાસ યાદવે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સિંહએ ગુજરાતનું ગૌરવ છે અને તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.વન્ય પ્રાણીઓની પજવણી કરનાર કે તેમને હેરાન કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા કે વાયરલ થવા માટે વન્ય જીવોને જોખમમાં મૂકતા કે તેમની પજવણી કરતા શખ્સો સામે હવે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃTapi News: આશ્રમશાળામાં ભણતી વિદ્યાર્થીનીએ તેની ખાસ બહેનપણી પર ચાકુથી હુમલો કર્યો



  • Follow us on: