પ્રેમને કોઈ બંધન નડતા નથી, અને પ્રેમ કરવાવાળાને કોઈ સરહદો નડતી નથી, આ લાઈનો ભલે ફિલ્મી લાગે પણ વર્તમાન સમયમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે, જે રીલ લાઈનને રિયલ બનાવે છે. આવો જ એક કિસ્સો આણંદમાંથી સામે આવ્યો છે. જોકે, હાલ આ પ્રેમ કહાનીમાં મોટો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડીને પોતાના પ્રેમીને પામવા માટે પ્રેમિકા તમામ સરહદો ઓળંગીને આણંદ જિલ્લાના લાંભવેલ ગામે આવી હતી.
12 વર્ષ પૂર્વે ફેસબુકના પ્રેમ ખાતર ગેરકાયદે સરહદ પાર કરીને એક યુવતી ભારતમાં આવી હતી. જે બાદ હિન્દુ ધર્મ અપનાવીને સુખી સંસાર વસાવનારી બાંગ્લાદેશી યુવતીની આણંદ પોલીસે ધરપકડ કરી છે. હાલ તેને ડીપોર્ટ કરવાની તજવીજ હાથ ધરાતા દંપતીનો હસતો-ખેલો સંસાર વિખરાઈ જવાની અણી પર આવી ગયો છે.
ફેસબુક પર શરૂ થઈ હતી લવ સ્ટોરી
લાંભવેલ ગામના તરુણકુમાર બંસીભાઈ પટેલને આજથી 15 વર્ષ પૂર્વે ફેસબુકના માધ્યમથી બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી કાજુલી, જેને પ્રેમથી બધા કાજલ કહે છે, તેની સાથે પરિચય થયો હતો. આ પરિચય ધીમે-ધીમે પ્રેમમાં બદલાયો અને બંનેએ સાથે જીવવા-મરવાના વચનો લીધા હતા.
કાજલ ભારતમાં તરુણ પાસે આવવા માંગતી હતી અને તેના માટે તેણે એજન્ટને રૂ. 13,000 આપીને પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી, પરંતુ એજન્ટ દ્વારા છેતરપિંડી થતાં તેને પાસપોર્ટ મળ્યો નહીં. બીજી તરફ બાંગ્લાદેશમાં તેના પિતા દ્વારા અન્ય મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું.
વર્ષ 2016માં જોખમી પગલું ભરી ભારત આવી
જો પિતા અન્ય જગ્યાએ લગ્ન કરાવી દેશે, તો તે ક્યારેય પોતાના પ્રેમીને પામી શકશે નહીં તેવા ડરથી કાજલે વર્ષ 2016માં એક અત્યંત જોખમી પગલું ભર્યું. તે ગેરકાયદે સરહદ ઓળંગીને ભારતમાં પ્રવેશી કોલકોતા થઈને આણંદ આવી પહોંચી હતી. આણંદ આવ્યા બાદ તરુણ અને કાજલે હિન્દુ વિધિ-વિધાન અને રીત-રિવાજ અનુસાર લગ્ન કરી લીધા હતા.
કાજલે મુસ્લિમ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો. તે ઘરમાં પૂજા-અર્ચના કરતી અને મંદિરે દર્શને પણ જતી હતી. આ સુખી લગ્નજીવન દરમિયાન કાજલે બે માસૂમ બાળકોને જન્મ આપ્યો, જેમાં મોટો દીકરો ધ્યાન (8 વર્ષ) અને નાનો દીકરો અર્શ (2 વર્ષ) છે.
એક ફોન કોલે ખોલી દીધી પોલ
તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન કાજલે બાંગ્લાદેશમાં રહેતી પોતાની બીમાર માતાની ખબર અંતર પૂછવા માટે એક ફોન કર્યો હતો. આ ફોન કોલ પોલીસના રડાડમાં આવી જતાં કાજલ ભારતમાં ગેરકાયદે રહેતી હોવાનો ખુલાસો થયો હતો. આણંદ એલસીબી પોલીસે ગત 2 જૂનની રાત્રે લાંભવેલ ખાતેથી કાજલની ધરપકડ કરી હતી. હાલ તેને આણંદના નારીગૃહમાં રાખવામાં આવી છે, અને તેને ડીપોર્ટ કરવાની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
"બાંગ્લાદેશ મોકલશો તો જીવનું જોખમ છે" - પતિની નાયબ મુખ્યમંત્રીને અપીલ
છેલ્લા 15 દિવસથી માતા નારીગૃહમાં હોવાથી બંને માસૂમ બાળકો પોતાની માતાને જોવા અને મળવા માટે વલખાં મારી રહ્યા છે. કાજલના પતિ તરુણ પટેલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારને માનવતાના ધોરણે મદદ કરવા કરુણ અપીલ કરી છે. તરુણે જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હાલ કટ્ટરવાદીઓનો માહોલ છે.
કાજલે મુસ્લિમ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાથી જો તેને પરત બાંગ્લાદેશ મોકલવામાં આવશે, તો ત્યાંના કટ્ટરવાદીઓ તેને જીવતી નહીં છોડે અને તેના જીવ પર મોટું જોખમ ઊભું થશે. કાજલ કોઈ ગુનાહિત માનસિકતાથી નહીં પરંતુ માત્ર પોતાના પ્રેમને પામવા ભારત આવી હતી.
તરુણે વધુમાં ઉમેર્યું કે, ભારત સરકાર પાકિસ્તાન અને બાંગ્લાદેશના પીડિત હિન્દુઓને નાગરિકતા આપી રહી છે, ત્યારે કાજલે પણ હવે હિન્દુ ધર્મ સ્વીકારી લીધો છે. આ સંજોગોમાં બે માસૂમ બાળકો પોતાની માતાની મમતા ન ગુમાવે અને એક હસતો-ખેલો પરિવાર ઉજ્જડ ન થાય તે માટે સરકાર માનવતાવાદી અભિગમ અપનાવી કાજલને ભારતીય નાગરિકતા આપે અથવા તેને ડીપોર્ટ ન કરે. હવે જોવાનું એ રહેશે કે, સરકાર આ પરિવારની વહારે આવે છે કે કાયદાની વિધિ આ પરિવારને વિખેરી નાખે છે.
આ પણ વાંચો - Anand News: ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ મોટી સફળતા, બોરસદની 2 બહેનોનું વિદેશથી સફળ રેસ્ક્યુ