બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરતી એક મોટી સફળતા સામે આવી છે. વાવ, થરાદ અને સુઈગામ પંથકમાંથી પસાર થતા દેશના મહત્વકાંક્ષી 'ભારતમાલા હાઈવે' પર છેલ્લા કેટલાક સમયથી સક્રિય એવી એક શાતિર ચોર ગેંગનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. હાઈવે પર ચાલુ ટ્રકોમાંથી કિંમતી સામાનની ચોરી કરતી આ ટોળકીના 3 સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે, જેનાથી વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોએ મોટી રાહત અનુભવી છે.
ચાલુ ટ્રકોની તાડપત્રી કાપી તેલના ડબ્બા ચોરવાની મોડસ ઓપરેન્ડી
પકડાયેલી ગેંગની ચોરી કરવાની પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) અત્યંત જોખમી અને શાતિર હતી. આ શખ્સો મોડી રાત્રે ભારતમાલા હાઈવે પરથી પસાર થતી માલવાહક ટ્રકોનો પીછો કરતા હતા. ચાલુ ટ્રકે જ જીવના જોખમે ટ્રક પાછળ ચઢીને તાડપત્રી કાપી નાખતા હતા અને અંદર રાખેલા ખાદ્ય તેલના કાર્ટૂન તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓ ચાલુ વાહને જ પોતાની ગાડીમાં સરકાવી લેતા હતા. આ ટોળકીના ત્રાસના કારણે હાઈવે પર રાત્રિ દરમિયાન ટ્રક ચલાવવી મુશ્કેલ બની ગઈ હતી.













