બનાસકાંઠા જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને પ્રોફેશનલ ક્રાઈમ ડિટેક્શનના ભાગરૂપે એક બહુ મોટી સફળતા મળી છે. મુંબઈના પોશ વિસ્તાર ગણાતા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે થયેલી રૂપિયા 3.60 કરોડથી વધુની કિંમતી હીરાની ચોરીના કેસમાં બનાસકાંઠા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. એલસીબી પોલીસે આ ચકચારી ચોરીના મુખ્ય માસ્ટરમાઇન્ડ આરોપીને પાલનપુર હાઇવે વિસ્તારમાંથી આયોજનબદ્ધ રીતે ઝડપી પાડ્યો છે.
વિશ્વાસ કેળવી આચરી હતી કરોડોની ચોરી
મૂળ ડીસા તાલુકાના છત્રાલા ગામનો વતની અને હાલ મુંબઈના ભોલેશ્વર કબુતરખાના ખાતે રહેતો દિલીપગર બાબુગર ગોસ્વામી મુંબઈની એક પ્રતિષ્ઠિત લોજિસ્ટિક કંપનીમાં કામ કરતો હતો. તેણે કંપનીના માલિકનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધા બાદ એક દિવસ મોકો જોઈને કુલ રૂપિયા 3,60,48,683ની કિંમતના હીરાની ગેરકાયદેસર ઉઠાંતરી કરી નાસી છૂટ્યો હતો. કરોડોની હીરા ચોરીની આ ઘટનાને પગલે મુંબઈના હીરા બજાર સહિતના વેપારી આલમમાં ભારે સનસનાટી મચી ગઈ હતી.













