વાવ-થરાદ જિલ્લાના દિયોદર વિધાનસભા વિસ્તારમાં આવેલા લવાણા ગામે રવિવારના રોજ સામાજિક એકતા અને સમરસતાનું એક અનોખું અને પ્રેરણારૂપ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગામમાં 'સનાતન સમરસતાનો મહાયજ્ઞ' યોજીને હિંદવાણી વિસ્તારના 21 ગામોના વાલ્મિકી સમાજના લોકો સાથે એક ગરિમાપૂર્ણ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.
બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત આવો અનોખો પ્રયોગ
લવાણા ગામે રહેતા વાઘેલા હીરાભાઈ પ્રેમાભાઈના નિવાસ સ્થાને જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારનો સમરસતા મહાયજ્ઞ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર હિંદવાણી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે વાઘેલા પરિવાર દ્વારા પરંપરાગત રીતે વાલ્મિકી સમાજના તમામ આગેવાનોનું શાલ ઓઢાડીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
શુકન લેવું હોય તો વાલ્મિકી સમાજના લોકોનું લેવું જોઈએ: શંકર ચૌધરી
કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વાઘેલા પરિવારના આ સેવા અને સમરસતાના કાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. તેમણે સંબોધન કરતા જણાવ્યું કે, સમાજમાં આ એક ઉત્તમ પહેલ છે, જે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સામાજિક સમરસતાનો સકારાત્મક સંદેશ આપશે. જો સારા કામમાં કોઈ શુકન લેવા હોય તો વાલ્મિકી સમાજના લોકોને લેવા જોઈએ.
આ પ્રસંગે નિરંજની પીઠાધીશ્વર અને નાનાકાપરા મઠના મહંત 1008 કુરશીપૂરીજી મહારાજે પણ પોતાના આશીર્વચન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના મહાયજ્ઞ થકી જ જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને સમાજમાં સાચી એકતાનો સંદેશ ફેલાવી શકાય છે.
રાજકીય અને સામાજિક અગ્રણીઓની મોટી ઉપસ્થિતિ
સમરસતાના આ મહાપર્વમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કિર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશ ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, થરાદ રાજપૂત સમાજ પ્રમુખ ડી. ડી. રાજપૂત, હિંદવાણી રાજપૂત સમાજ પ્રમુખ ડો. ઉદયસિંહ રાજપૂત, દશરથસિંહ હીરાજી વાઘેલા તેમજ પૂર્વ સરપંચ રામાભાઈ રાજપૂત સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના તમામ વર્ગોને એક મંચ પર લાવીને યોજાયેલો આ કાર્યક્રમ સમગ્ર જિલ્લા અને રાજ્ય માટે એક નવો રાહ ચીંધનારો સાબિત થયો છે.
આ પણ વાંચો - Banaskanthaમાં LCBની મોટી સફળતા: ભારતમાલા હાઈવે પર ચાલુ ટ્રકોમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ