બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાંથી હનીટ્રેપ અને તોડબાજીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના નકલી અધિકારી બનીને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ. 5 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર હનીટ્રેપના માસ્ટરમાઇન્ડમાં એક પત્રકાર અને એક પૂર્વ સરપંચ સામેલ હોવાનો પર્દાફાશ થતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
નકલી LCBની ઓળખ આપી બળાત્કારની આપી ધમકી
ઘટનાની મળતી માહિતી અનુસાર, વડગામ પંથકના એક યુવકને ટોળકીએ આયોજનબદ્ધ રીતે હનીટ્રેપની જાળમાં ફસાવ્યો હતો. યુવક જાળમાં ફસાતાની સાથે જ ગેંગના સાગરિતોએ પોતાનો અસલી ખેલ શરૂ કર્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે આપી હતી. તેમણે યુવક પર દબાણ લાવતા ધમકી આપી હતી કે, જો તે મોટી રકમ નહીં આપે તો તેને મહિલા પર બળાત્કારના ખોટા કેસમાં જેલ ભેગો કરી દેવામાં આવશે.
ધમકી આપી ભોગ બનનાર પાસેથી રૂ. 5 લાખ પડાવ્યા
પોલીસ અને બદનામીના ડરથી ફફડી ગયેલા પીડિત યુવકે આરોપીઓની માંગણી સામે ઝૂકવું પડ્યું હતું. આરોપીઓએ ડરાવી-ધમકાવીને યુવક પાસેથી રૂપિયા 5 લાખ જેવી મોટી રકમ પડાવી લીધી હતી. જોકે, આ ટોળકીની હેરાનગતિ અને બ્લેકમેલિંગ વધતા આખરે પીડિત યુવકે હિંમત દાખવી સમગ્ર મામલે વડગામ પોલીસ મથકે વિગતવાર સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
પત્રકાર અને પૂર્વ સરપંચ સહિત 3ની ધરપકડ, મહિલા ફરાર
ગુનો દાખલ થતાં જ વડગામ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાબડતોબ રેડ કરીને આ કાળા કારસ્તાનમાં સામેલ 3 મુખ્ય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા શખ્સોમાં પંથકનો એક પત્રકાર, એક પૂર્વ સરપંચ સહિત 3 લોકો સામેલ છે, જેઓ લાંબા સમયથી આ નેટવર્ક ચલાવતા હોવાની શંકા છે. આ હનીટ્રેપમાં મુખ્ય મહોરું બનેલી એક મહિલા અને અન્ય એક અજાણ્યો શખ્સ હાલ પોલીસ પકડથી દૂર છે.
પોલીસની તપાસ તેજ
વડગામ પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે. આ ગેંગે અગાઉ પણ LCB ના નામે અન્ય કોઈ લોકોને શિકાર બનાવ્યા છે કે, કેમ તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે. તેમજ ફરાર મહિલા અને તેના સાગરિતને ઝડપી લેવા માટે પોલીસે જુદી-જુદી ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Banaskantha: બે-બે મંત્રીઓની હાજરીમાં વીજળી ગુલ, લોકોએ મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડી