રાજ્યમાં સરકારી કાર્યક્રમો અને વીજળી વિભાગના તાલમેલનો એક અજીબોગરીબ કિસ્સો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી સામે આવ્યો છે. પાલનપુર ખાતે બનાસકાંઠા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક ભવ્ય 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ સરકાર દેશ અને રાજ્યને અવિરત વીજળી અને વિકાસના પંથે લઈ જવાની વાતો કરે છે, પરંતુ આ જ વિકાસના સંમેલનમાં સરકારી તંત્રની પોલ ખુલી ગઈ હતી.


વીજ પુરવઠો સંપૂર્ણપણે ડૂલ

કાર્યક્રમની શરુઆતમાં જ લાઈટ જતી રહી હતી, જેના કારણે હોલમાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સૌથી મોટી વાત એ છે કે આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં રાજ્ય સરકારના બે-બે મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓની ગરિમામય હાજરી હોવા છતાં, કાર્યક્રમ શરૂ થવાની સાથે જ વીજ પુરવઠો સંપૂર્ણપણે ડૂલ થઈ ગયો હતો જેથી સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું.


 


મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવી પડી

જોકે, વીજળી લાંબા સમય સુધી ન આવતા કાર્યક્રમને રોકવાને બદલે અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. હોલમાં હાજર કાર્યકર્તાઓ, વેપારીઓ અને સામાન્ય જનતાએ પોતપોતાના સ્માર્ટફોન બહાર કાઢ્યા હતા અને મોબાઈલની ફ્લેશ લાઈટ (ટોર્ચ) ચાલુ કરી દીધી હતી. સેંકડો મોબાઈલની ફ્લેશ લાઈટના અજવાળા વચ્ચે મંત્રીઓની હાજરીમાં કાર્યક્રમને આગળ ધપાવવો પડ્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મંત્રીઓની હાજરીવાળા 'વિકસિત ભારત સંમેલન'માં જ વીજળી ગુલ થઈ જતી હોય, તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે? આ ઘટના પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

  • Follow us on: