ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જંબુસર તાલુકાના વાવલી બસ સ્ટોપ નજીક એક ઈંટોથી ભરેલો ઓવરલોડ ટ્રક અચાનક પલટી મારી ગયો હતો. મળતી માહિતી મુજબ, આ ટ્રક વડોદરાથી ઈંટો ભરીને જંબુસર તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક રસ્તા પર જ ધડાકાભેર પલટી ખાઈ ગયો હતો.


ટ્રક કેબિનમાં બેઠેલા 3 મજૂરો ઈજાગ્રસ્ત

આ અકસ્માત એટલો જોરદાર હતો કે, ટ્રક પલટી જતાં જ ઈંટોનો આખો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. અકસ્માત સમયે ટ્રકની કેબિનમાં બેસેલા ત્રણ મજૂરોને નાની-મોટી અનેક ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય મજૂરોને સારવાર અર્થે જંબુસરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અન્ય વાહન ન હોવાથી મોટી ઘાત ટળી

આ અકસ્માતમાં સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. જે સમયે ટ્રક પલટ્યો તે સમયે જંબુસર તરફથી અન્ય કોઈ વાહન કે રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યા ન હતા, જેથી મોટો જાનમાલનો ખતરો ટળી ગયો હતો. જોકે, અકસ્માત સર્જાયા બાદ ટ્રકનો ચાલક મજૂરોને ઈજાગ્રસ્ત હાલતમાં મૂકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. હાલ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Bharuch News: દ્વારકા દર્શન કરી પરત ફરતા આંબલીયા પરિવારને નડ્યો અકસ્માત, માતા-પુત્રનું મોત


  • Follow us on: