ગુજરાતમાં કરચોરો અને જીએસટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે લાલ આંખ કરી છે. ભાવનગર શહેરમાં જાણીતા કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપ પર જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાની સઘન કાર્યવાહી આખરે ચોથા દિવસે પૂર્ણ થઈ છે. ટેક્સ ચોરીના હેતુથી સરકારને અંધારામાં રાખી કરોડો રૂપિયાનું ટર્નઓવર છુપાવ્યું હોવાના મજબૂત પુરાવા મળતા, વિભાગ દ્વારા કોસમોસ ગ્રુપને તાત્કાલિક ધોરણે રૂપિયા ૧.૫૦ કરોડનો ટેક્સ અને દંડ ભરવાનો કડક આદેશ જારી કરવામાં આવ્યો છે.


કંપની સ્કીમની મર્યાદા બહાર જઈને વ્યવહારો કરતી

મળતી વિગતો અનુસાર, ભાવનગરની આ પ્રતિષ્ઠિત આઈટી અને કોમ્પ્યુટર પેઢી સરકારી સ્કીમની મર્યાદા બહાર જઈને વ્યવહારો કરતી હોવાની અને મોટું ટર્નઓવર ચોપડે દર્શાવ્યા વગર છુપાવતી હોવાની ચોક્કસ બાતમી એસજીએસટીની વિજિલન્સ ટીમને મળી હતી. આ શંકાસ્પદ આર્થિક હેરાફેરીના આધારે જીએસટી વિભાગની સર્વેલન્સ ટીમે શનિવારથી જ કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપના વિવિધ સ્થળો પર એકસાથે દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સર્ચ ઓપરેશનની કાર્યવાહી સતત 4 દિવસ સુધી અવિરત ચાલી 

શનિવારથી શરૂ થયેલી આ મેગા સર્ચ ઓપરેશનની કાર્યવાહી સતત 4 દિવસ સુધી અવિરત ચાલી હતી. આ લાંબી તપાસ દરમિયાન અધિકારીઓએ પેઢીના કોમ્પ્યુટર રાઈઝ્ડ ડેટા, પાકા-કાચા બિલ બુક, બેંક ખાતાઓ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની બારીકાઈથી ચકાસણી કરી હતી. એસજીએસટીની ટીમે તપાસ કરતા જ બિલ વગરના કરોડોના વ્યવહારો અને મોટી કરચોરી સપાટી પર આવી ગઈ હતી.

પેઢીને 1. 50 કરોડ ભરવાનો આદેશ 

છેવટે ચાર દિવસના અંતે આ કાર્યવાહી પૂર્ણ જાહેર કરાઈ છે અને તમામ પુરાવાઓને આધારે કસૂરવાર પેઢીને 1. 50 કરોડ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો આદેશ અપાયો છે. ભાવનગરના વેપારી આલમમાં આ લાંબી રેડ અને કરોડોના દંડને પગલે ફફડાટ વ્યાપી ગયો છે. જીએસટી વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, હજુ પણ આગામી દિવસોમાં આવી અન્ય શંકાસ્પદ પેઢીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી શકે છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?


  • Follow us on: