ભાવનગરમાં સાંજના સુમારે અચાનક હવામાન પલટાયું હતું અને મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જોકે, આ કોઈ સાંબેલાધાર વરસાદ ન હતો, પરંતુ માત્ર નજીવા વરસાદે જ ભાવનગર મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદ પડતાંની સાથે જ ભાવનગર શહેરના અનેક નીચાણવાળા અને મુખ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.


કાગળ પરની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ

ચોમાસું શરૂ થાય તે પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ અને લાઈનો સાફ કરવાના મનપાના દાવા માત્ર કાગળ પર જ રહી ગયા હોય, તેવા દ્રશ્યો રસ્તાઓ પર જોવા મળ્યા હતા. વરસાદ બંધ થયાને એક કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સ્માર્ટ સિટીના અનેક રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા રહ્યા હતા, જેને પગલે મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

રસ્તાઓ બંધ થતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી

મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વાહનો બંધ પડી જવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. રસ્તાઓ જાણે નાળામાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાતા લોકો કલાકો સુધી ટ્રાફિક જામ અને મુશ્કેલીઓમાં ફસાયા હતા.


પાણીના નિકાલ માટે મનપાના મોડા-મોડા પ્રયાસો

પરિસ્થિતિ વણસતાં અને સોશિયલ મીડિયા પર લોકોનો આક્રોશ જોયા બાદ આખરે ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર સગેવગે થયું હતું. ભાવનગર મનપાના કર્મચારીઓ દ્વારા જે-તે વિસ્તારોમાં જઈને ભરાયેલા પાણીના નિકાલ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે, જો લાઈનોની સફાઈ ચોમાસા પહેલાં જ યોગ્ય રીતે થઈ હોત, તો આજે આ સ્થિતિ જોવાનો વારો ન આવ્યો હોત.


આ પણ વાંચો - Bhavnagar News: મહુવા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર, ધોધમાર વરસાદથી વાવણી લાયક માહોલ


  • Follow us on: