ભાવનગરમાં સરકારી અને જાહેર જમીનો પરથી કુદરતી સંપત્તિની ચોરી કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અંધારાનો ફાયદો ઉઠાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ખનીજ માફિયાઓ પર ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ઘોઘાના લાખણકા ગામે આવેલી સરકારી ગૌચરની કિંમતી જમીન પર કબ્જો જમાવીને માફિયાઓ દ્વારા બેફામ રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની સચોટ માહિતી તંત્રને મળી હતી. આ માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે મોડી રાત્રે 1 વાગ્યે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઓપરેશન પાર પાડીને માફિયાઓમાં ભારે ભાગદોડ મચાવી દીધી હતી.
JCB અને ડમ્પર સહિત કરોડોની મશીનરી જપ્ત
મધરાતે પાડવામાં આવેલા આ અચાનક દરોડા દરમિયાન ખનીજ વિભાગની ટીમે ઘટનાસ્થળેથી ગેરકાયદેસર રેતી ખનન અને વહનમાં ઉપયોગમાં લેવાતી લાખો રૂપિયાની કિંમતી મશીનરી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી હિટાચી/JCB મશીન, ભારેભરખમ ડમ્પર, ટ્રેક્ટરો અને રેતી સાફ કરવાના મોટા ચારણા સહિતના સાધનો આંચકી લીધા હતા. ખાણ ખનીજ વિભાગે આ તમામ વાહનો અને ટેકનિકલ સાધનો મળીને કુલ રૂપિયા 1.55 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તંત્રની આ અણધારી રેડથી રાતોરાત અમીર બનવાના સપના જોતા ચોર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.













