કચ્છમાં ખાસ કરીને માનવધન કરતાં પશુધનની સંખ્યા વધુ છે, ત્યારે સ્વાભાવિકપણે જ જ્યારે જ્યારે જિલ્લામાં અછતની સ્થિતિ સર્જાય છે, ત્યારે અબોલ પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે વહીવટી તંત્રને હંમેશાં કચ્છ બહારથી ઘાસ મંગાવવાની ફરજ પડતી હોય છે. ત્યારે આવી સ્થિતિમાં બહારના જિલ્લાઓમાંથી ઘાસ મંગાવવું ન પડે તે માટે વન વિભાગ દ્વારા ઘાસના વાવેતર ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, પરિણામે ગત વર્ષે વિપુલ પ્રમાણમાં ઘાસ ઉગતાં કચ્છમાંથી પહેલીવાર બહારના જિલ્લા બનાસકાંઠામાં ઘાસ મોકલવામાં વિભાગને સફળતા મળી હતી.
ગોડાઉનની કેપેસિટી 28થી 29 લાખ કિલો ઘાસ સંગ્રહ કરવાની
આ બાબતે વધુ માહિતી આપતાં બન્ની ગ્રાસલેન્ડ વિભાગનાં અધિકારી એન.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે,આ વિભાગ દ્વારા ખાસ કરીને અછત જેવી સ્થિતિ સમયે પશુઓને ઘાસ મળી રહે તે માટે દર વર્ષે 1100 જેટલા હેક્ટરમાં ઘાસનું વાવેતર કરવામાં આવે છે.એટલું જ નહીં આ ઘાસ તૈયાર થઇ જાય ત્યારબાદ તેનો વ્યવસ્થિત સંગ્રહ કરી શકાય તે માટે 17 જેટલા ગોડાઉનો પણ તૈયાર કરવામાં આવ્યા છે.હાલે આ ગોડાઉનમાં 7 લાખ કિલો જેટલા ઘાસના જથ્થાનો સ્ટોક વન વિભાગ પાસે ઉપલબ્ધ છે.જ્યારે આ ગોડાઉનની કેપેસિટી 28થી 29 લાખ કિલો ઘાસ સંગ્રહ કરવાની છે.
ટાર્ગેટ મુજબ ઘાસનું વાવેતર શરૂ કરવામાં આવશે
કચ્છમાં જ્યારે જ્યારે દુષ્કાળની સ્થિતિ ઉદ્ભવે ત્યારે ત્યારે અન્ય જિલ્લાઓમાંથી ઘાસ મંગાવવું પડતુ હતું.થોડા વર્ષો પહેલાં ગાડીની રેક દ્વારા ઘાસનો જથ્થો કચ્છમાં ઠલવાયો હતો. પરંતુ વન વિભાગ દ્વારા ખાસ કરીને બન્ની વિસ્તારમાં ઘાસનું વાવેતર શરૂ કરવામાં આવ્યું અને તેમાં મળેલી સફળતાને પગલે પહેલીવાર કચ્છ જિલ્લામાંથી બહારનાં જિલ્લા બનાસકાંઠામાં ઘાસ મોકલવામાં આવ્યું હતું.વિભાગ પાસે ઉપલબ્ધ 100 હેક્ટર જમીનમાં આગામી દિવસોમાં ટાર્ગેટ મુજબ ઘાસનું વાવેતર શરૂ કરવામાં આવશે.
બંને વિભાગ મળી કુલ 60 લાખ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ
કચ્છ માટે દુષ્કાળ એ કોઇ નવી બાબત નથી.પહેલાનાં સમયમાં તો પાંચ કે સાત સાત વર્ષ દુષ્કાળની સ્થિતિ લોકો જોઇ ચૂક્યા છે.ત્યારે આવી પરિસ્થિતિમાં બહારથી ઘાસચારો મંગાવવો પડતો હોય છે અને તેમાં સમય પણ ઘણો નીકળી જતો હોય છે.જેને ધ્યાને લઇને વન વિભાગ દ્વારા સ્થાનિકે જ ઘાસ ઉગાડવાની શરૂઆત કરવાની સાથે સાથે તેના સંગ્રહ માટે ગોડાઉનો પણ બનાવવામાં આવ્યા પરિણામે આજે વન વિભાગ પાસે માત્ર બન્ની વિસ્તારમાં જ 7 લાખ કિલો જેટલો ઘાસનો જથ્થો સંગ્રહ થયેલો છે. જ્યારે પૂર્વ અને પિૃમ વિન વિભાગ મળીને આ જથ્થો હાલે 60 લાખ કિલો જેટલો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ