કચ્છના સુપ્રસિદ્ધ પ્રવાસી મથક માંડવી બીચ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જ્યાં દરિયાના ઘુઘવતા પાણીમાં ન્હાવા પડેલો એક પરપ્રાંતીય યુવક દરિયાના મજબૂત કરંટ અને ઊંચી લહેરોમાં અચાનક તણાવા લાગ્યો હતો.ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે એક યુવકનો જીવ બચી ગયો છે અને મોટી દુર્ઘટના ટળી છે.


યુવક દરિયાના પાણીના તણાવમાં આવી ગયો 

મળતી વિગતો મુજબ અન્ય રાજ્યોમાંથી કેટલાક પરપ્રાંતીય યુવાનો માંડવીના દરિયાકિનારે પ્રવાસ અર્થે ફરવા માટે આવ્યા હતા.આ દરમિયાન યુવાનો દરિયા કિનારે મસ્તી કરી રહ્યા હતા ત્યારે અચાનક દરિયામાં ઊંચા મોજા ઉછળવાના શરૂ થયા હતા.જોતજોતામાં એક યુવક દરિયાના પાણીના તણાવમાં આવી ગયો હતો અને ઊંડા પાણી તરફ ખેંચાવા લાગ્યો હતો.યુવકને ડૂબતો જોઈને કિનારે ઉભેલા તેના મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી.આ કપરી પરિસ્થિતિમાં ત્યાં હાજર સ્થાનિક લોકો અને નાવિકોએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના માનવતા મહેકાવી હતી.

યુવકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું

સ્થાનિક લોકોએ પોતાના જીવના જોખમે દરિયાના તોફાની મોજાઓ વચ્ચે કૂદી પડ્યા હતા અને યુવકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.ભારે જહેમત અને દરિયાના પ્રવાહ સામે ઝઝૂમ્યા બાદ આખરે યુવકને સુરક્ષિત રીતે દરિયાની બહાર કાઢવામાં સફળતા મળી હતી.દરિયાનું પાણી પી જવાના કારણે અને ગભરામણના લીધે યુવકની તબિયત લથડતાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે માંડવીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.સ્થાનિકોની આ જાંબાઝ કામગીરીને પ્રવાસીઓ અને વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

આ પણ વાચોઃ Tapi News: ગ્રામસેવક જીવણ ગામીત સહાય યોજના હેઠળ લાંચ લેતા ઝડપાયો




  • Follow us on: