સરહદી કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે.કચ્છના પ્રખ્યાત યાત્રાધામ નારાયણ સરોવર ખાતે પોલીસે સ્થાનિક વહીવટી તંત્રને સાથે રાખીને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે.આ કડક ઓપરેશનથી ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ડિમોલિશન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો તોડી પાડયા
નારાયણ સરોવર પોલીસ મથકની હદમાં અસામાજિક તત્વો દ્વારા કિંમતી સરકારી જમીન પચાવી પાડીને તેના પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા.આ અંગે વહીવટી તંત્રને ફરિયાદો મળતા જ પોલીસ કાફલા સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.આ ત્વરિત કાર્યવાહી દરમિયાન તંત્રએ આશરે રૂપિયા 35 લાખની કિંમતની સરકારી જમીનને ગેરકાયદેસર દબાણમાંથી મુક્ત કરાવી છે.












