અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં ત્રણ સિનિયર પીજી વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.થોડા દિવસો પહેલા નેશનલ મેડિકલ કમિશનને રેગિંગની કરિયાદ કરાઈ હતી અને કમિશનના આદેશ બાદ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ નિર્ણય કર્યો છે.ઓર્થોપેડિકના પીજીના બીજા વર્ષના ત્રણ વિદ્યાર્થી દોષિત ઠર્યા હતા જેઓને 6 મહિનાથી લઈને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. આ ઘટનાની કાર્યવાહી થઈ ત્યાં જ ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનું રેગિંગ થયું હોવાની ઘટના બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે.
ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરાયાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં 6 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયાના આક્ષેપો સામે આવ્યા બાદ મામલો ગરમાયો છે.ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પણ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી છે. ઓર્થોપેડિક વિભાગના ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓ દ્વારા 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસે પૈસા માગતા હોવાનો અને મુર્ગા બનાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એન્ટી રેગિંગ સ્કવોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે.

એન્ટી રેગિંગ કમીટીની બેઠકમાં ફોટા અને વીડિયો બતાવાયા
ગુરૂવારે મોડી રાત સુધી મેડિકલ કોલેજમાં મીટિંગ ચાલી હતી. આ પહેલા કોલેજના ડીન ડો. ચિન્મય મહેતાએ કહ્યું હતું કે, અમારી પાસે બે દિવસ પહેલા એક ફરિયાદ આવી હતી. જેમાં ઓર્થોપેડિક પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓએ અમને ફરિયાદ કરી હતી. જેથી નેશનલ મેડિકલ કમિશનના નિયમો પ્રમાણે એન્ટી-રેગિંગ સ્ક્વોડને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. આ ઘટનામાં ઈન્કવાયરી પણ પૂર્ણ થઈ છે અને તેમના નિવેદન પણ લેવાયા છે. જે વિદ્યાર્થીઓ સામે રેગિંગની ફરિયાદ કરાઈ છે તેમના પણ નિવેદન લેવાયા છે. IMA દ્વારા રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. IMA દ્વારા રેગિંગ કરનારા વિદ્યાર્થીઓના કાયમી ધોરણે સ્ટાઈપેન્ડ બંધ કરવા, સરકારી નોકરી અને લોન જેવી સુવિધાઓથી વંચિત રાખવા સહિતના કડક પગલાં ભરવાની માગ કરાઈ છે.

ગુરૂવારે રેગિંગ કમિટી સમક્ષ પુરાવા રજૂ કરાયા
એન્ટી રેગિંગ કમીટીની બેઠકમાં રેગિંગના ફોટા અને વીડિયો બતાવવામાં આવ્યા હતાં. વિડીયો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓને મુરઘા બનાવવામાં આવ્યા હતા.રેગીંગ કમીટી સામે વધુ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે.જેમાં ભોગ બનનાર વિધાર્થીઓએ આપેલા પુરાવાઓ જેવા કે વિધાર્થીઓ પાસે રેગીંગના નામે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં તેમજ અલગ અલગ સ્ક્રીનશોર્ટ પણ જોવા મળ્યા છે. કેવા પ્રકારનું લખાણ લખાવવામાં આવતું હતું. કેવી રીતે મુર્ગા બનાવવામાં આવતા હતાં અને કેવી રીતે પૈસા ટ્રાન્સફર કરાવ્યા તેના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં. ગુરૂવારે રેગિંગ કમિટીની બેઠક મોડી રાત સુધી ચાલી હતી.

બેઠક દરમિયાન સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું
બીજી તરફ એવો પણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠક દરમિયાન સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. ડીન સાથે ચાલી રહેલી બેઠક દરમિયાન ઓર્થોપેડિક વિભાગના એચઓડીની કરતૂત પણ સામે આવી છે. ચશ્મામાં કેમેરો લગાવીને બેઠકની ગંભીર ચર્ચાનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. ડીન દ્વારા શંકાસ્પદ ચશ્માં કબજે લેવામાં આવ્યા છે. આ ઘટના અંગે મીડિયાએ સવાલ કરતાં સ્ટીંગ ઓપરેશન કરતા ડોક્ટરની બોલતી બંધ થઈ હતી. સમગ્ર ઘટનાએ મેડિકલ કોલેજમાં નવી ચર્ચા જગાવી હતી.

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની આ પ્રથમ ઘટના નથી
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની આ પ્રથમ ઘટના નથી. ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે. ગત વર્ષના માર્ચ મહિનામાં 6 જેટલા સિનિયર ડોક્ટર સ્ટુડન્ટ દ્વારા ત્રણ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓનું કારમાં અપહરણ કરીને તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને વીડિયો પણ ઉતારાયો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને માર પણ મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં આરોપી વિદ્યાર્થીઓ નશાની હાલતમાં હોવાનું પણ બહાર આવ્યું હતું. વર્ષ 2023માં પણ આ કોલેજના રેસિડેન્સ ડોક્ટર હરીશ વૈગીએ પ્રથમ વર્ષના એક વિદ્યાર્થીને તેની રૂમમાં બોલાવી શારીરિક અડપલાં કર્યા હતાં. તેણે જુનિયર વિદ્યાર્થી સાથે ઘણા સમય સુધી સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. આ કેસમાં આરોપી વિદ્યાર્થીને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાયો હતો.
આ આખી ઘટનામાં હવે તપાસ થઈ એક્શન શું થશે?
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના રેગિંગની શર્મશાર કરનારી ઘટનાની તપાસ તો શરૂ થઈ ગઈ છે. એન્ટી રેગિંગ કમિટી સામે પણ સમગ્ર ઘટનાના પુરવા રજૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પણ આ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપી વિદ્યાર્થીઓ સામે એક્શન લેવાની વાત કરી છે. ત્યારે આ આખી ઘટનામાં શું એક્શન લેવામાં આવશે એતો સમય જ બતાવશે.
આ પણ વાંચોઃ Sandesh Explainer : ખેડૂતો બાદ શિક્ષકો મેદાનમાં ઉતર્યા, જાણો કેમ નોકરી બચાવવાનો સવાલ ઉભો થયો