ગુજરાતમાં ખેડૂતો બાદ શિક્ષકોના હકો માટે આજથી એક આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે. વર્ષ 2010 પહેલાં સરકારી નિયમોનુસાર ભરતી થયેલા વરિષ્ઠ શિક્ષકોને ટાટ/ટેટ પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની મુખ્ય માંગ સાથે વિવિધ શિક્ષક સંઘો રોડ પર ઉતરી આવ્યા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2028 પહેલાં તમામ શિક્ષકો માટે TET પાસ કરવાનો કડક નિર્દેશ અપાતા રાજ્યના અંદાજિત 1 લાખ જેટલા અનુભવી શિક્ષકો સામે પોતાની નોકરી બચાવવાનો મોટો સવાલ ઊભો થયો છે. આજે રાજ્યમાં 22થી વધુ જિલ્લામાં શિક્ષકોએ આંદોલન કર્યું છે. 


TETની પરીક્ષા ફરજિયાત પણે પાસ કરવી પડશે

શિક્ષક સંઘના નેજા હેઠળ આજથી 20 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લા મથકો પર ઉગ્ર ધરણા કાર્યક્રમો યોજાશે. આ આંદોલન દરમિયાન શિક્ષકોએ જૂની પેન્શન યોજના તાત્કાલિક અમલમાં લાવવાની જૂની માંગ પણ સરકાર સમક્ષ ફરી જીવંત કરી છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો હતો કે, જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષ કરતા વધુ સમય બાકી છે તેમણે નોકરી ચાલુ રાખવા કે પ્રમોશન મેળવવા TETની પરીક્ષા ફરજિયાત પણે પાસ કરવી પડશે. જે શિક્ષક આ પરીક્ષા પાસ નહીં કરે તેને રાજીનામું આપવું પડશે અથવા નિવૃત્તિ લેવી પડશે. સુપ્રીમ કોર્ટે માત્ર એવા શિક્ષકોને રાહત આપી હતી જે શિક્ષકોની નોકરીના પાંચ વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય. 


2010 પહેલાના શિક્ષકો માટે ટેટની પરીક્ષા રદ કરો

અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક સંઘના પ્રમુખ મનોજ પટેલે કહ્યું હતું કે, 2010 પહેલાના જે શિક્ષકોને TET પરીક્ષા પાસ કરવાનો નિર્દેશ આપ્યો છે તેને લઈને રાજ્યભરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. અમારી પાંચ મુખ્ય માંગો છે. જુની પેન્શન યોજના અને ટેટની પરીક્ષા રદ કરવાની પણ માંગ છે. રાજ્યના 33 જિલ્લામાં શિક્ષકો આગામી 17થી 20 તારીખ સુધી કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવશે. બીજી બાજુ જોઈએ તો શિક્ષક સંઘની મુખ્ય માંગ એવી છે કે, કેન્દ્ર સરકાર આગામી સંસદ સત્રમા એક વિશેષ બિલ પસાર કરે અને 2010 પહેલાના શિક્ષકો માટે ટેટની પરીક્ષા રદ કરવામાં આવે. 


જૂની પેન્શન યોજના પણ બંધ કરાઈ

રાજ્યમાં હજારો શિક્ષકો નોકરી કરી રહ્યા છે. જેમાંથી કેટલાકની નિમણૂંક એ સમયની ભરતી અને પ્રક્રિયા પ્રમાણે કરાઈ હતી. હવે જે નિયમો આવ્યા છે તેનાથી શિક્ષકો અને તેમના પરિવારો ભારે ચિંતામાં છે. આ આંદોલન વચ્ચે શિક્ષકોના સંગઠન દ્વારા એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે, સરકાર માગ નહીં સ્વીકારે કે ઉકેલ નહીં લાવે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. જેની અસર બાળકોના શિક્ષણ પર પડી શકે છે. શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનનો બીજો મુદ્દો જૂની પેન્શન યોજના છે. જે સરકારે 2005 બાદ બંધ કરી દીધી છે. જેના કારણે નિવૃત્ત થતાં શિક્ષકોનું આર્થિક ભવિષ્ય પણ જોખમાયું છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Tapi News: ગ્રામસેવક જીવણ ગામીત સહાય યોજના હેઠળ લાંચ લેતા ઝડપાયો



  • Follow us on: