G7 દેશો ભારતની સહમતી વિના કોઈ મોટો વૈશ્વિક નિર્ણય લઈ શકતા નથી. આ જ ભારતનો વધતો જતો રુતબો છે.

પીએમ મોદીનો ગ્લોબલ સંદેશ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના એવિયનમાં G7 સમિટના આઉટરીચ સત્રમાં નવી ભાગીદારી બનાવવા અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનર્નિર્માણ કરવાના વિષય પર સંબોધન કર્યું હતુ. સંબોધન કરતા તેઓએ કહ્યુ હતુ કે, આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં, ઊર્જા, ખોરાક, આરોગ્ય, સાયબર અને આર્થિક સુરક્ષા એકબીજા સાથે જોડાયેલા છે. તેથી માનવતાની પ્રગતિ અને સમૃદ્ધિ માટે મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારી જરૂરી છે.

ભારતીય ખલાસીઓના મૃત્યુ અંગે ચિંતા કરી વ્યક્ત 

પીએમ મોદીએ સંબોધન દરમિયાન પશ્ચિમ એશિયામાં તણાવ અને દરિયાઈ માર્ગોની અસુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. G-7 નેતાઓને સંબોધતા, તેમણે તાજેતરના યુએસ લશ્કરી હુમલામાં ભારતીય ખલાસીઓના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે મોદી નેતાઓને સંબોધન કરતા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીની બાજુમાં બેઠા હતા. પીએમે ભારતીય ખલાસીઓના મૃત્યુ અંગે ટ્રમ્પ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.


ભારતને સતત આમંત્રણ આપવા માટે કયા કારણો જવાબદાર ?

વૈશ્વિક મંચ પર ભારતનો પ્રભાવ 

G7નું સભ્ય ન હોવા છતા ભારતનો દબદબો સતત વધતો જોવા મળી રહ્યો છે. 7મી વખત ભારતને G7માં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. ભારતની વૈશ્વિક સ્તરે વધતી ભાગીદારી અને તેના મૈત્રીપૂર્ણ સંબંધો વિવિધ સ્તરે તેની ઉપસ્થિતિ મજબૂત બનાવી રહ્યા છે. G7 એટલે Group of Sevenએ વિશ્વના સૌથી ધનિક અને વિકસિત સાત દેશોનું સંગઠન છે. જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. ભારત સત્તાવાર રીતે G7નું સભ્ય નથી. તેમ છતાં તાજેતરના વર્ષોમાં વૈશ્વિક મંચ પર ભારતનો પ્રભાવ અને દબદબો અભૂતપૂર્વ રીતે વધ્યો છે.

ભારતની મજબૂત ભૂમિકા 

વિકાસશીલ અને ગરીબ દેશો જેને ગ્લોબલ સાઉથ તરીકે ઓળખવામાં આવે છે. તેના પ્રશ્નોને G7 જેવા પશ્ચિમી દેશોના સંગઠન સમક્ષ રજૂ કરવામાં ભારતે મુખ્ય ભૂમિકા ભજવી છે. ખાદ્ય અસુરક્ષા, દેવાની કટોકટી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓથી પ્રભાવિત દેશો વિશે ભારતે મજબૂતાઈથી રજૂઆત કરી છે. ભારતે વેપારી અને ગ્રાહકના સંબંધોના સ્થાને સમાનતા અને એકતાના આધારે વૈશ્વિક જોડાણ બનાવવા માટે રજૂઆત કરી હતી. 

ભારતનો સહકાર મહત્ત્વનો 

આંતરરાષ્ટ્રીય ડિપ્લોમેસીમાં કોઈ દેશનું મહત્વ તેના વૈશ્વિક સ્તરથી નક્કી થાય છે. ભારતના પીએમને સતત G7ના 'આઉટરીચ સેશન' માં ભાગ લેવા માટે ખાસ આમંત્રણ અપાયુ હતુ. વર્ષ 2026માં ફ્રાન્સના એવિયન ખાતે યોજાયેલી 52મી G7 સમિટમાં ભારતની આ 13મી અને પીએમ મોદીની સતત 7મી ભાગીદારી છે. આ નિયમિત હાજરી દર્શાવે છે કે વૈશ્વિક નિર્ણયો ભારતના સહકાર વિના અધૂરા છે. ભારતની ભૂમિકા સૌ કોઇ માટે મહત્ત્વની છે. 

આર્થિક મજબૂતી અને વિશાળ બજાર

ભારત અત્યારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. વૈશ્વિક મંદી વચ્ચે પણ ભારત સૌથી ઝડપથી વિકસતો મોટો દેશ છે. G7 દેશોની કંપનીઓ માટે ભારત 140 કરોડથી વધુની વસ્તી ધરાવતું એક વિશાળ બજાર અને રોકાણ માટેનું સુરક્ષિત હબ છે. જેના કારણે પશ્ચિમી દેશો ભારતને અવગણી શકે નહીં. ભારતે AI અને ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નેતૃત્વ મજબૂત કર્યુ છે. 

ભારતના ડિજિટલ મોડલની પ્રશંસા 

1. AI ગવર્નન્સ: ટેક્નોલોજીનો ઉપયોગ માનવ-કેન્દ્રીત અને નૈતિક હોવો જોઈએ તેવા ભારતના પ્રસ્તાવને વિશ્વએ સ્વીકાર્યો છે. 

2. પર્યાવરણ અને ઊર્જા સુરક્ષાઃ ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં ભારતે માત્ર વાતો કરવાને બદલે નક્કર વૈશ્વિક પહેલ કરી છે. 

3. ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સઃ મિશન લાઇફ અને 'એક પેડ મા કે નામ' જેવા ગ્રાઉન્ડ લેવલના અભિયાનો દ્વારા ભારતે ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં પોતાનું સ્થાન જમાવ્યુ છે. 

G7 વૈશ્વિક શક્તિશાળી સંગઠનનો સમૂહ 

વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્ર જોઇએ તો વ્યક્તિ માટે G7 શબ્દ નવો નથી. દર વર્ષે જ્યારે આ સંગઠનની વાર્ષિક બેઠક યોજાય છે. ત્યારે વિશ્વની નજર તેના પર હોય છે. આ માત્ર ધનિક દેશોની એક ક્લબ છે જે વાતો કરવા ભેગી થાય છે, જ્યારે બીજી તરફ તેને વૈશ્વિક નીતિઓ નક્કી કરતું સૌથી મોટું પ્લેટફોર્મ માનવામાં આવે છે. 



G7ની શરૂઆત ક્યારે થઇ ?

1973માં વિશ્વમાં તેલ સંકટ સર્જાયુ હતુ. અને નાણાકીય બજારો તૂટી પડ્યા હતા. આ વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે અમેરિકાના તત્કાલીન ટ્રેઝરી સેક્રેટરી જોર્જ શુલ્ત્ઝે પોતાનો વિચાર રજૂ કર્યો હતો. શરૂઆતમાં અમેરિકા, બ્રિટન, પશ્ચિમ જર્મની અને ફ્રાન્સના નાણામંત્રીઓ વ્હાઇટ હાઉસના લાયબ્રેરી રૂમમાં એકત્ર થયા હતા. 

ગ્રુપ ઓફ સિક્સ એટલે કે G6: 1975માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ વેલેરી ગિસ્કાર્ડ ડી'ઇસ્ટિંગે આ બેઠકને રાષ્ટ્રાધ્યક્ષોના સ્તરે લાવી દીધી હતી. ફ્રાન્સના રેમ્બુઇલેટ ખાતે પ્રથમ સત્તાવાર સમીટ યોજાઈ હતી. જેમાં 6 દેશે ભાગ લીધો હતો. આ દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન હતા

G7ની રચનાઃ તેના પછીના જ વર્ષે એટલે કે 1976માં પ્યુર્ટો રિકો ખાતે યોજાયેલી બેઠકમાં કેનેડા આ જૂથમાં જોડાયું અને આ રીતે સત્તાવાર રીતે G7 અસ્તિત્વમાં આવ્યું હતુ. 1977થી યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ પણ આ બેઠકોમાં સતત ભાગ લે છે. જોકે તેઓ અલગ સભ્ય દેશ તરીકે ગણાતા નથી.

G7માં કયા દેશોનો સમાવેશ ? 

G7એ વિશ્વની સાત સૌથી મોટી અને વિકસિત અર્થવ્યવસ્થાઓ ધરાવતા દેશોનું બિન-સત્તાવાર જૂથ છે. 

અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, કેનેડા 

G7થી G8 અને ફરીથી G7ની રોમાંચક સફર 

1997માં શીત યુદ્ધની સમાપ્તિ પછી, રશિયાને પણ આ વૈશ્વિક મંચ પર સ્થાન આપવામાં આવ્યું અને આ સંગઠન G8 બન્યું હતુ. પરંતુ આ સંબંધ લાંબો સમય ન ચાલ્યો. 2014માં જ્યારે રશિયાએ યુક્રેનના પ્રદેશ ક્રિમીઆ પર ગેરકાયદે કબજો કર્યો હતો. ત્યારે બાકીના 7 દેશે નારાજગી વ્યક્ત કરી હતી. અને રશિયાને આ જૂથમાંથી હાંકી કાઢ્યું હતુ. 2014થી આ સંગઠન ફરી પાછું G7 બન્યુ હતુ. 


સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય 

વૈશ્વિક આર્થિક શાસન: આંતરરાષ્ટ્રીય વ્યાપાર, ફુગાવો અને આર્થિક નીતિઓનું સંકલન કરવું.

આંતરરાષ્ટ્રીય સુરક્ષા: ત્રાસવાદ, પરમાણુ અપ્રસાર અને ભૌગોલિક-રાજકીય તણાવનો સામનો કરવો.

ક્લાઇમેટ ચેન્જ અને ઉર્જા: ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવું અને ગ્રીન એનર્જી તરફ સ્થળાંતર કરવું.

વૈશ્વિક સ્વાસ્થ્ય: કોરોના જેવી વૈશ્વિક મહામારીઓ સામે લડવા માટે ફંડિંગ અને રસીકરણના આયોજન કરવા.

ભારત કેમ G7નું સભ્ય નથી? 

G7ની સ્થાપના થઈ ત્યારે તે સમયના જીડીપીના આધારે આ દેશો નક્કી થયા હતા. ભારત હજુ પણ ટેકનિકલી 'વિકાસશીલ દેશ'ની શ્રેણીમાં આવે છે અને તેની માથાદીઠ આવક આ 7 દેશો કરતાં ઘણી ઓછી છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની વૈશ્વિક ગતિ એટલી વધી છે કે ભારતને દર વર્ષે આઉટરીચ કન્ટ્રી તરીકે ખાસ આમંત્રણ આપીને આ બેઠકોમાં બોલાવવામાં આવે છે.

G7 દ્વારા કરાયેલી નક્કર કામગીરી

1. વર્ષ 2002માં ગ્લોબલ ફંડની સ્થાપના: એઇડ્સ, ટ્યુબરક્યુલોસિસ અને મેલેરિયા જેવી જીવલેણ બીમારીઓ સામે લડવા માટે G7 દેશોએ કરોડો ડોલરના ભંડોળ સાથે ગ્લોબલ ફંડ બનાવ્યું હતુ. 

2. વર્ષ 2021માં ગ્લોબલ મિનિમમ કોર્પોરેટ ટેક્સ: ગુગલ, એપલ, ફેસબુક અને એમેઝોન જેવી મોટી ટેક કંપનીઓ ટેક્સ બચાવવા માટે ટેક્સ હેવન દેશોમાં નફો ટ્રાન્સફર કરતી હતી. 2021ની સમીટમાં G7 દેશોએ આખી દુનિયા માટે ઓછામાં ઓછા 15% ગ્લોબલ કોર્પોરેટ ટેક્સ નક્કી કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેથી વૈશ્વિક સ્તરે ટેક્સ ચોરી રોકી શકાય.

3. ચીનના BRI પ્રોજેક્ટ સામે મોરચો: ચીનના 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એટલે જે નાના દેશોને દેવાના જાળમાં ફસાવે છે તેની સામે G7 દેશોએ Partnership for Global Infrastructure and Investment એઠલે કે PGIIની જાહેરાત કરી હતી. આ હેઠળ વિકાસશીલ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 600 અબજ ડોલરનું ભંડોળ ઊભું કરવાનું નક્કી કરાયું છે.

G7નું આજનું અસ્તિત્ત્વ 

આજે 1975 જેવી સ્થિતિ નથી. વિશ્વનું અર્થતંત્ર બદલાયું છે. હવે ચીન અને ભારત જેવી મહાસત્તાઓ વગર કોઈપણ વૈશ્વિક નિર્ણય અધૂરો ગણાય છે. G7 દેશો વિશ્વની વસ્તીના માત્ર 10% હિસ્સો ધરાવે છે. પરંતુ વૈશ્વિક જીડીપીના આશરે 30%થી વધુ હિસ્સા પર તેમનું નિયંત્રણ છે. G20 જેવા મોટા સંગઠનો આવ્યા હોય જેમાં ભારત અને ચીન સભ્ય છે. તેમ છતાં પણ પશ્ચિમી લોકશાહી દેશોની એકતા અને નાણાકીય તાકાતના કારણે વૈશ્વિક આપત્તિઓ, આર્થિક નીતિઓ અને યુદ્ધ જેવા સંકટો સમયે G7 આજે પણ વિશ્વનું સૌથી પ્રભાવશાળી 'પાવર સેન્ટર' બનેલું રહ્યું છે. 

આ પણ વાંચોઃ બ્રાઝિલની જેમ ઈથેનોલ ભારતનું ભવિષ્યનું ઈંધણ બનશે, જાણો વાહનની એવરેજ અને ખર્ચનું ગણિત

  • Follow us on: