ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ ચર્ચાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો અંતિમ સમજૂતી અમેરિકા માટે સ્વીકાર્ય નહીં હોય તો સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ ફરીથી અપનાવવામાં આવી શકે છે. જી-7 શિખર સંમેલન દરમિયાન ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું.
ઈરાન સાથે ચર્ચા બાદ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે: ટ્રમ્પ
ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથેની ચર્ચાઓ બાદ એક મજબૂત સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) અંતિમ તબક્કે પહોંચ્યું નથી. તેમણે કહ્યું કે મોટાભાગના લોકો આ સંભવિત કરારથી ખુશ દેખાઈ રહ્યા છે, જોકે તેનો આખરી સ્વરૂપ શું હશે તે હજુ સ્પષ્ટ નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે આ સમજૂતી નિષ્ફળ જશે તો વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી શકે છે અને વિશ્વ મંદી તરફ ધકેલાઈ શકે છે. તેમણે એવા લોકોને 'મૂર્ખ' ગણાવ્યા કે જેઓ વૈશ્વિક આર્થિક અસ્થિરતા અથવા મંદી જોવા ઇચ્છે છે. ટ્રમ્પના મતે આવા લોકો વૈશ્વિક સ્થિરતા અને આર્થિક વિકાસનું મહત્વ સમજતા નથી.













