અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર આખરે પૂર્ણવિરામ મુકાવા જઈ રહ્યું છે. પાકિસ્તાન અને કતરની મધ્યસ્થતાથી બંને દેશો વચ્ચે પ્રારંભિક શાંતિ કરાર થઈ ગયો છે, જેને જિનેવામાં અંતિમ રૂપ આપવામાં આવશે. આ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયેલે મળીને ઈરાન પર સેંકડો હવાઈ હુમલા કર્યા હતા, જેનો મુખ્ય હેતુ ઈરાનની સૈન્ય તાકાત તોડવી, પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો અને ત્યાંની ઈસ્લામિક સત્તાને ઉખાડી ફેંકવાનો હતો. વ્હાઇટ હાઉસને આશા હતી કે ઈરાન થોડા જ સપ્તાહમાં ઘૂંટણ ટેકી દેશે, પરંતુ સાડા ત્રણ મહિના પછી ચિત્ર તદ્દન અલગ છે. વિશ્લેષકોના મતે, આ જંગમાં ટ્રમ્પ પ્રશાસનને એવા ૭ મોટા ઝટકા લાગ્યા છે જેને તેઓ ક્યારેય ભૂલી નહીં શકે.


તખ્તાપલટ ન થયો અને સત્તા વધુ મજબૂત થઈ

શરૂઆતના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિતના ટોચના અધિકારીઓ માર્યા ગયા હોવા છતાં, ઈરાનનું તંત્ર ખોરવાયું નહીં. બંધારણીય પ્રક્રિયા હેઠળ નવું નેતૃત્વ તરત જ સામે આવ્યું અને ઈસ્લામિક સત્તા વધુ મજબૂત થઈ. આખરે અમેરિકાએ આ જ શાસન સાથે ટેબલ પર બેસીને કરાર કરવો પડ્યો.


જનતા સરકાર વિરૂદ્ધ નહીં, અમેરિકા વિરૂદ્ધ થઈ

ઈરાન આર્થિક સંકટોથી ઝઝૂમી રહ્યું હોવાથી અમેરિકાને આશા હતી કે જનતા સરકાર વિરૂદ્ધ બળવો કરશે. પરંતુ, અમેરિકાના એક મિસાઈલ હુમલામાં કન્યા શાળા (ગર્લ્સ સ્કૂલ) નજીક નાગરિકોના મોત થતાં આખો દેશ વિદેશી હુમલા વિરૂદ્ધ એક થઈ ગયો અને રાષ્ટ્રીય ભાવના મજબૂત બની.


'મિસાઈલ સિટી' સુરક્ષિત અને હોર્મુઝ સ્ટ્રેટ પર કૂટનીતિ

સેંકડો હવાઈ હુમલા છતાં ઈરાનની અંડરગ્રાઉન્ડ 'મિસાઈલ સિટીઝ' સુરક્ષિત રહી અને તેણે વળતા પ્રહારો ચાલુ રાખ્યા. શાંતિ કરારમાં પણ ઈરાનની બેલિસ્ટિક મિસાઈલો ખતમ કરવાની કોઈ શરત નથી. આ ઉપરાંત, દુનિયાની મહત્વની સપ્લાય લાઇન 'હોર્મુઝ સ્ટ્રેટ'ને અમેરિકા સૈન્ય તાકાતથી નહીં, પરંતુ કૂટનીતિક કરારથી જ ખોલાવી શક્યું છે.


 ખાડી દેશોની સુરક્ષા અને મોંઘો પડેલો જંગ

સાઉદી અરેબિયા અને યુએઈ જેવા સહયોગી દેશોને અમેરિકા સંપૂર્ણ સુરક્ષા કવચ પૂરું પાડી શક્યું નહીં, જેના કારણે કતર અને પાકિસ્તાન જેવા દેશોએ યુદ્ધ રોકવા મધ્યસ્થતા કરવી પડી. આ જંગ અમેરિકાને આર્થિક રીતે પણ ખૂબ મોંઘો પડ્યો છે. શાંતિ કરારના ભાગરૂપે ઈરાન માટે ૩૦૦ અબજ ડોલરના પુનઃનિર્માણ અને રોકાણ ફંડની ચર્ચા પણ સામે આવી છે.


પરમાણુ મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો

જે પરમાણુ કાર્યક્રમને રોકવા માટે આ આખો જંગ શરૂ થયો હતો, તેનો કોઈ અંતિમ ઉકેલ આવ્યો નથી. ઈરાનનો યુરેનિયમનો જથ્થો અમેરિકાના હાથમાં નથી આવ્યો અને પરમાણુ મુદ્દાને આગામી ૬૦ દિવસની અલગ વાટાઘાટો માટે છોડી દેવામાં આવ્યો છે. આથી, સૈન્ય રીતે ઈરાનને ભારે નુકસાન થયું હોવા છતાં, વ્યૂહાત્મક રીતે ઈરાન પોતાની સત્તા, મિસાઈલ કાર્યક્રમ અને પ્રાદેશિક પ્રભાવ બચાવવામાં સફળ રહ્યું છે.

આ પણ વાંચો:Evian City:PM મોદી એ વૈભવી શહેરમાં રોકાયા છે જ્યાંનું પાણી પ્રખ્યાત છે. 15 વર્ષે બનનારુ પાણી 140 દેશમાં થાય છે સપ્લાય

  • Follow us on: